ધંધૂકાના કિશન ભરવાડની હત્યાના બહુચર્ચિત પ્રકરણની તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કરવા બદલ ગોળીબાર કરી કિશન ભરવાડની હત્યા કરવાના પ્રકરણમાં એટીએસ, એનઆઈએ સહિતની એજન્સીએ ખુલાસો કરતાં જણાવ્યું કે ગુજરાતના યુવાનોનું ‘બ્રેનવોશ’ કરવા પાકિસ્તાનથી ભંડોળ આવતું હોવાનો દિલ્હીથી પકડાયેલા મૌલાના કમરગનીએ કબૂલ્યું છે. મૌલાના કમરગની દુબઈમાં કોની સાથે વાત કરતો હતો તે અંગે પણ હજુ તપાસ ચાલી રહી છે. ATSએ જણાવ્યું છે કે કિશનની હત્યામાં ઝડપાયેલ આરોપી શબ્બીર અને મૌલાના કમરગની વચ્ચે અમદાવાદમાં મુલાકાત થઇ હતી. તેઓ શાહઆલમની એક મસ્જિદમાં મળ્યા હતા. ATSની તપાસમાં ખુલ્યું છે કે મૌલાના કમરગની મુસ્લિમ સમાજ પર ટીકા ટીપ્પણી કરનાર લોકો પર કેસ કરાવતો અને જેહાદી ષડ્યંત્ર રચીને યુવકોની હત્યા માટે શબ્બીર જેવા યુવાનોને પ્રેરતો હતો.
મૌલાના કમરગની પાકિસ્તાની સંગઠન દાવત-એ-ઈસ્લામી ચલાવતો હતો. આ ગ્રુપમાં વધુમાં વધુ યુવકોને જોડીને કટ્ટરવાદી બનાવવાનું કામ કરતો હતો. આ સંગઠનની અમદાવાદ સહિત દેશભરમાં 2000થી વધુ દાનપેટીઓ હોવાનું ખુલ્યું છે. આ દાનપેટીમાં જે પૈસા એકઠા થાય તે સૌથી પહેલાં પાકિસ્તાન જતા હતા અને ત્યાંથી દુબઈથી હવાલા મારફતે ગુજરાતમાં મોકલવામાં આવતા હતા.
કમર ગનીની ચોંકાવનારી વિગતો બહાર આવ્યા બાદ કેન્દ્રીય તપાસ એજન્સીઓ પણ કમર ગનીની પૂછપરછ કરવા ATS સુધી પહોંચી છે, જેમાં સેન્ટ્રલ આઇબી તો રોજ ગનીની પૂછપરછ કરે છે તો સાથે હવે NIA પણ જોડાઈ ચૂકી છે.
પૂછપરછમાં બહાર આવતી વિગતો અનુસાર, મૌલાના અયુબે જજબા-એ-શહાદત નામની 1500 જેટલી ભડકાવનારી પુસ્તકો છપાવી હતી અને આ પુસ્તકોને મસ્જિદોમાં નમાઝ પઢવા આવતાં લોકોને ફ્રીમાં આપવામાં આવતી હતી. ધંધૂકાની ઘટના બની તે પહેલાં દિલ્હીનો મૌલાના કમરગની છ વખત ગુજરાત આવ્યો હતો. ગુજરાતમાં તે અમદાવાદ, બરોડા અને સુરતના યુવકોને મળ્યા હતા. અહીં તેમનું બ્રેઈનવોશ કર્યું હતું. કમરગની ઉસ્માની દાવત-એ-ઈસ્લામી નામનું સંગઠન ચલાવતો હતો.સુરતમાં પણ તેની સાથે સંકળાયેલા યુવકોની આ સાથે તપાસ શરૂ કરવામાં આવી છે.
પાકિસ્તાનના કરાંચીમાં આવેલા આ સંગઠનની શાખા અમદાવાદ સહિત દેશના તમામ રાજ્યોમાં આવેલી છે. મૌલાના કમરગની યુવકોને ભડકાવતો અને સંગઠનમાં જોડતો. જે યુવક સંગઠન સાથે જોડાય તેની પાસેથી તે રૂા.365ની ફી વસૂલતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ કાંડમાં અત્યાર સુધીમાં બે મૌલાના સહિત સાત લોકોની ધરપકડ થઈ છે.