ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનને કારણે ગુરુવાર સાંજથી બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અવરોધિત થતાં ભારે કિલોમીટરો સુધી ટ્રાફિક જામ થયો છે. હાઇવે પર સેંકડો વાહનો ફસાયા છે. ફસાયેલા તીર્થયાત્રીઓ ગૌચર, કર્ણપ્રયાગ, નંદપ્રયાગ અને ચમોલીમાં અને બદ્રીનાથ, જોશીમઠ અને પીપલકોટીમાં પેસેન્જર વાહનોની રાહ જોઈ રહ્યા છે. યાત્રાળુઓ ફસાયેલા છે, તેઓ સુરક્ષિત છે. જે સ્થળે ભૂસ્ખલન થયું છે ત્યાં ઘણા યાત્રાળુઓ પણ ફસાયેલા છે.
ઉત્તરાખંડના ચમોલીમાં બદ્રીનાથ હાઈવે બ્લોક થવાને કારણે લગભગ 30,000 તીર્થયાત્રીઓ વિવિધ સ્થળોએ અટવાયેલા છે. આ દરમિયાન રોડની બંને તરફ વાહનોની છ કિલોમીટર લાંબી કતારો લાગી ગઈ છે. કાટમાળ હટાવવા માટે સ્થળ પર બે JCB મશીન મુકવામાં આવ્યા છે. આ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રિકો માટે બિસ્કીટ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પહેલા બુધવારે પણ છિંકામાં હાઇવે લગભગ 10 કલાક સુધી બંધ રહ્યો હતો. આ ઉપરાંત ગંગોત્રી હાઈવે પર માનેરી પાસે ટેકરી પરથી પથ્થર આવી જવાને કારણે અડધો કલાક વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો.
જિલ્લા મથક ગોપેશ્વર ખાતે ભારે વરસાદ બાદ સાત વાહનો કાટમાળ નીચે દટાયા હતા. ચમોલી જિલ્લામાં ભારે વરસાદને કારણે બદ્રીનાથ હાઈવે ગુરુવારે સવારે 5 વાગ્યે છિંકા પાસે ભૂસ્ખલનથી બંધ થઈ ગયો હતો. 7:30 વાગ્યે NH બાજુથી કાટમાળ હટાવ્યા બાદ હાઈવે ખુલ્લો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે સવારે 9:49 વાગ્યે, ખડકનો એક ભાગ તૂટીને અલકનંદામાં પડ્યો, જેનાથી હાઇવેના એક ભાગને નુકસાન થયું. આ દરમિયાન સ્થાનિક રહીશોએ હોબાળો મચાવી હાઇવે પરથી પસાર થતા વાહનોને અટકાવી દીધા હતા.
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદ કિશોરી જોશીએ જણાવ્યું હતું કે બદ્રીનાથ ધામ અને હેમકુંડથી પરત ફરી રહેલા 15,000થી વધુ શ્રદ્ધાળુઓ પીપલકોટી, જોશીમઠ અને બિરહી જેવા સ્થળોએ રોકાયા છે. જ્યારે બદ્રીનાથ જતા 15 હજારથી વધુ શ્રદ્ધાળુઓ ક્ષેત્રપાલ અને ચમોલીમાં હાઈવે ખુલવાની રાહ જોઈ રહ્યા છે. ભૂસ્ખલન સ્થળની બંને બાજુ દુકાનો અને બજારો હોવાના કારણે યાત્રાળુઓને ખાવા-પીવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો પરંતુ હંમેશની જેમ અહીં યાત્રાળુંઓની મજબૂરીનો લાભ ઊઠાવીને તેમની પાસેથી અનેકગણા ભાવ વસૂલી લૂટફાટ થઈ રહી હોવાની ફરિયાદ જોવા મળી રહી છે. રાજકોટના ગ્રુપના કહેવા મુજબ તેમની પાસેથી 20 રૂ.ની પાણીની બોટલના પણ 140 રૂ. માંગવામાં આવી રહ્યા છે. એ જ પ્રમાણે ચા-કોફી અને ફૂડના ભાવોમાં પણ ઊઘાડી લૂંટ જોવા મળી રહી છે.