કોઈપણ ચૂંટણી પૂર્વે વિસ્તારમાં ચૂંટણીમાં ધાંધલી ન સર્જાય એ માટે અટકાયતી પગલાં ભરાય એ સામાન્ય બાબત હોય છે પરંતુ આ વખતે તેમાં પણ નવો રેકોર્ડ ઉમેરાયો છે. સુરત પોલીસના જણાવ્યા અનુસાર, સુરતમાંથી 12,965 સહિત રાજ્યભરમાંથી 25000 જેટલા તત્વો સામે અટકાયતી ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. હવે આ તત્વો 8 ડિસેમ્બર સુધી પોતાના વિસ્તારને પણ છોડી શકશે નહીં.
ગુજરાત પોલીસે આ ચૂંટણીમાં અત્યાર સુધીની સૌથી વધુ અટકાયતી ધારાના અમલનો રેકોર્ડ બનાવાયો છે. સુરત શહેરમાંથી 12965, જ્યારે અમદાવાદમાંથી 12,315 અને વડોદરામાંથી 1600થી વધુ લોકો સામે અટકાયતી ધારો લાગુ કરવામાં આવ્યો છે અને જો તેઓ હવે કોઇપણ પ્રકારે ચૂંટણીમાં ગરબડ ઉભી કરશે તો તેઓની ધરપકડ પણ થઇ શકે છે.
પોલીસે વધુમાં જણાવ્યું છે કે, મોટાભાગના લોકો સામે ફોજદારી અધિનિયમ અને અસામાજિક પ્રવૃતિ અધિનિયમ લાગુ કરાયો છે. પરંતુ મર્યાદીત લોકોની જ ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને જેઓ પાસે પિસ્તોલ કે તેવા ઘાતકી હથિયાર મળ્યા હોય તે લોકોને હાલ કસ્ટડીમાં લેવાયા છે અને તેમની સામે આર્મ્સ એક્ટ હેઠળ પણ કામ ચલાવાશે.