આઈએએસ-આઈપીએસ બનવાનું ગજું ગુજરાતીઓનું નહીં એવું મહેણું હવે ઝડપભેર ભાંગી રહ્યું છે. ઈતિહાસમાં પ્રથમ જ વખત એકસાથે 25 ગુજરાતીઓ આઈપીએસનું પ્રમોશન મેળવવા જઈ રહ્યા છે. વેપાર-વાણિજ્ય જ નહીં ખાખી પહેરીને દેશસેવા કરવા પણ હવે ગુજરાતી જનરેશન અગ્રીમ બનવા તરફ છે. ગૌરવની વાત છે કે, જે ડીવાયએસપીને આઈપીએસનું પ્રમોશન મળવાનું છે તેમાં સુરતના ડીસીપી પન્ના મોમાયાનો પણ સમાવેશ થાય છે.
રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાના જણાવ્યા અનુસાર, ડીવાયએસપી તરીકે ભરતી એવા 25 પોલીસ અધિકારીઓને હવે ટૂંક સમયમાં આઈપીએસ તરીકે પ્રમોશન આપવામાં આવશે. પોલીસ તંત્ર માટે એ ગૌરવવંતી વાત છે કે, આગામી દિવસોમાં એકસાથે 25 ગુજરાતી અધિકારીઓ આઈપીએસ તરીકે ફરજ બજાવશે.
જે ડીવાયએસપીને આઈપીએસનું પ્રમોશન મળવાનું છે તેમાં સુરતના ડીસીપી પન્ના મોમાયા તેમજ અમદાવાદ ઝોન-4ના ડીસીપી રાજેશ એચ.ગઢિયાનો પણ સમાવેશ થાય છે.
એ જાણવું જરૂરી છે કે, અત્યાર સુધી ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓની નિમણૂક 2:1 રેશિયોના આધારે થઈ રહી છે જેમાં ડાયરેક્ટ યુપીએસસી ક્લિયર કરનાર બે, જીપીએસસી ક્લિયર કરીને પ્રમોશન લેનાર એક આઈપીએસ હોય છે. આ પ્રથમ જ વખત છે જ્યારે ગુજરાતમાં 25 આઈપીએસ બન્યા હોય. આ અગાઉ ગુજરાત કેડરના ચાર આઈપીએસ અધિકારી સજ્જનસિંહ પરમાર, અશોક મુનિયા, મયૂર ચાવડા અને ઉષા રાડાને આઈપીએસ કેડર ફાળવવામાં આવી હતી.