એ કાપ્યો જ છે..એ લપેટ..આ નારાથી આગામી સમયમાં આકાશ ગુંજી ઉઠશે…જી હા, ઉતરાયણ પર્વ લઈને કાઉનડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે પતંગરસિયાઓ ઉતરાયણની તૈયારીમાં વ્યસ્ત થયા છે. તો બીજી તરફ રોજગારી માટે પણ ઉતરાયણ કેટલાય લોકો માટે મદદરૂપ સાબિત થાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બજારોમાં અવનવા પતંગ આવી ચૂક્યા છે. પતંગ સાથે જ દોરીની પણ ખરીદી પતંગરસિયાઓ મન મૂકીને કરી રહ્યા છે, ત્યારે આ સુરતી માંજો આટલો પ્રખ્યાત કેવી રીતે થયો અને શું કારણ છે તે જાણવાનો પ્રયાસ કર્યો છે.તો ચાલો આજે તમને જણાવશું કે શા માટે સુરતી માંજો ફેમસ છે?
સુરત શહેરને લોકો ડાયમંડ નગરી તરીકે તો કોઇ સિલ્ક સિટી તરીકે જાણે છે તો કેટલાંક ગુજરાતના કે બીજા રાજ્યોના પતંગ રસિયાઓ પણ ઉત્તરાયણનો ઉત્સવ સુરતી માંજા સાથે માણે છે. જ્યાં સુરત ખાતે તૈયાર થાય છે ધારદાર લુગ્દી માંજો. સુરતી માંજા ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં વેચાણ માટે જાય છે. એટલું જ નહીં અમેરિકા અને દુબઇના પતંગ રસિયાઓ સુરતથી આ ખાસ માંજા ઓર્ડર આપી મંગાવે છે. માંજો તૈયાર કરવામાં ઘણી મહેનત હોય છે. આજે પણ અમદાવાદ, ભરૂચ, વડોદરા, મુંબઇથી લોકો ખાસ માંજો ઘસાવવા માટે સુરત આવે છે. જોકે, લુગ્દી માંજાનો સુરતનો ભવ્ય ભાતીગળ ઇતિહાસ છે. ઉત્તરાયણ પહેલા જ માંજો ઘસવા માટે આગ્રાથી ખાસ કારીગરો સુરત આવે છે. જોકે, આ વખતે સુરતમાં માત્ર ચાર-પાંચ જગ્યાએ જ માંજો તૈયાર કરવામાં આવે છે.
દિવાળી બાદથી ઉત્તરાણ માટે માંજો તૈયાર કરવામાં આવે છે. આ વખતે સુરતી માંજાના ભાવમાં 20 ટકાનો વધારો થયો છે, તેમ છતાં લોકો ભારે ખરીદી કરી રહ્યા છે. ઉત્તરાયણ થોડા દિવસ અગાઉ જ શહેરમાં સુરતી માંજા બનાવવાની કામગીરી શરૂ થઈ જાય છે. કાંચ અને ફેવિકોલ સહિત મિશ્રણ દ્વારા બનતો સુરતી માંજો દેશ-વિદેશમાં વખણાય છે. આ દોરીને લુગ્દીમાંથી પસાર કરીને સૂકાવા દેવામાં આવે છે, જે બાદ તેને ફિરકીમાં લપેટવામાં આવે છે. લુગ્દી માંજો કેમિકલ વિના બનતો હોવાથી ખરીદારોમાં પણ તેની ભારે માંગ જોવા મળે છે. આ ઉપરાંત સુરતી માંજા દ્વારા આકાશમાં પેચ લડાવવાની મજા પણ પતંગ રસિયાઓ માનતા હોય છે.
સુરતનું તાપીનું પાણી વિશેષ અને ખાસ છે. સુરતના પાણીના જ લીધે દોરી પર કલર ચડે છે. આજે આ પાણીના લીધે જ સુરતી માંજો વિશ્વ વિખ્યાત છે. માંજો તૈયાર કરતા પહેલા સરસને સમગ્ર ગરમ કરી ઓગાળવામાં આવે છે અને આખી રાત તેને રાખવામાં આવે છે. ત્યારબાદ તેમાં બાકીની તમામ સામગ્રીઓ મેળવવામાં આવે છે અને પછી ચરખા પર વિશેષ રીતે સુરતી માંઝાને પાવામાં આવે છે. ચાર મહિના સુધી ઉતરાયણની તૈયારી કરવા માટેનો સુરતી માંજો તૈયાર કરીએ છીએ.
સુરતી માંજાની ખાસિયત
ફેવિકોલઃ સુરતી માંજામાં ફેવિકોલ નાંખવામાં આવે છે એટલે તેની મજબૂતાઈ વધે છે. ફેવિકોલયુક્ત લુગ્દીથી જ્યારે દોરી ઘસવામાં આવે છે ત્યારે ફેવિકોલ દોરીના દરેક તાંતણાની અંદર પેસી જાય છે, અને દરેકે-દરેક તાંતણાને મજબૂત બનાવે છે.
પાણીઃ સુરતી માંજાને મજબૂત બનાવવા પાણી પણ જવાબદાર છે. કારણ કે, અન્ય શહેરોના પાણીમાં અમુક માત્રામાં ક્ષાર હોય છે. જે દોરી પર અસર કરે છે. બીજા શહેરોની સરખામણીમાં સુરતના પાણીમાં ક્ષારનું પ્રમાણ ઓછુ છે જે સુરતની દોરીને મજબૂત રાખે છે. પાણીમાં ક્ષાર વધુ હોય ત્યારે તે દોરીના અંદરના તાંતાણને છુટ્ટા કરી નાંખે છે.
અનુભવઃ જે લોકો સુરતી માંજાની ડિમાન્ડ કરે છે તેઓ અસ્સલ સુરતીઓ પાસે જ દોરી ઘસાવવાનો આગ્રહ રાખે છે. કારણ કે, ડબગર વાડ અને રાંદેર વિસ્તારમાં દોરી ઘસવાનો ફેમિલી બિઝનેસ છે. અને આ બિઝનેસ 90 વર્ષ-સો વર્ષથી પેઢીમાં ઉતરી આવ્યો છે.