ભારત સરકારે પ્રજાસત્તાક દિને સુરતના જાણીતા હીરા ઉદ્યોગકાર સવજીભાઈ ધોળકીયાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા. આ બાબતે જોકે, સુરત તેમજ સૌરાષ્ટ્રમાંથી વિરોધનો સુર જોવા મળતાં મામલો ગરમાયો છે. સોશિયલ મીડિયા પર વણથંભી ચર્ચાઓ ચાલી રહી છે. સવજીભાઈ ધોળકીયાને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવતા મોટા ભાગનાં રત્નકલાકારો નારાજ થયા છે. સોશિયલ મીડિયા પર Diamond worker Union Gujarat ના ફેસબુક પેજ પર એવોર્ડની પોસ્ટ મૂકવામાં આવી અને તરતજ વિરોધી કોમેન્ટનો મારો શરૂ થઇ ગયો. સવજીભાઈ ધોળકીયા આ એવોર્ડ માટે લાયક ન હોવાનું કહી સોશિયલ મીડિયા પર અપમાનજનક શબ્દો વરસવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પર એવો મત પ્રદર્શિત થઈ રહ્યો છે કે, સરકારના પદ્મશ્રી એવોર્ડના સાચા હકદારો ગોવિંદભાઈ ધોળકિયા અને સેવંતીભાઈ શાહ છે. હીરા ઉદ્યોગના સાચા હીરા અને સ્વપ્નદ્રષ્ટા આ બંને મહાનુભાવો છે.
26મી જાન્યુઆરીએ મુકાયેલી આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. લોકો અહીં ઢગલાબંધ કોમેન્ટ કરી રહ્યાં છે. મોટા ભાગની કોમેન્ટ સવજીભાઈ ધોળકીયાને એવોર્ડ મળવાના વિરુદ્ધની છે. સવજીભાઈના કયા કાર્યના લીધે તેમને પદ્મશ્રી મળ્યો તેવા પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યાં છે. સવજી ધોળકીયા કરતા વધુ સારું કામ ગોવિંદભાઈ ધોળકિયા અને સેવંતીભાઈ શાહે કર્યું હોવાનો મત વ્યક્ત થયો છે. કમનસીબે કેટલાંક યૂઝર્સ તો ભાન ભૂલી સવજી ધોળકીયા વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી રહ્યાં છે.
લોકોએ આવી પણ કોમેન્ટ કરી કે, “સવજીભાઈ કરતા ગોવિંદભાઈ ધોળકીયા, સેવંતીભાઈ શાહ અથવા ખજૂરભાઈને (નીતિન જાની) એવોર્ડ મળવો જોઈતો હતો” તાજેતરમાં ગુજરાતમાં ભારે વરસાદ અને ચક્રવાતને લીધે સર્જાયેલી પરિસ્થિતિમાં ગામેગામ ગરીબ લોકોને પાકાં ઘર બનાવી આપનાર ખજૂરભાઈને એવોર્ડ મળવો જોઈએ તેવી લાગણી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
કેટલાંક યુઝર્સે સવજી ધોળકીયા પર ટિપ્પણી કરી છે. કેટલાંકે લખ્યું છે કે રત્નકલાકારોને જેલની જેમ પુરી રાખે છે. કંઈ સારું કામ નથી કરતા. તો કેટલાંકે સારી વાતો પણ લખી છે કે ” ગુજરાતીને એવોર્ડ મળ્યો છે તો ગુજરાતી થઈને ગર્વ અનુભવવો જોઈએ”. હંમેશા હીરા ઉદ્યોગ અને રત્નકલાકારોના હીતમાં સવજીભાઈ કામ કરતા હોવાનો પક્ષ પણ અનેક યુઝર્સે લીધો છે.
તેઓને આરોગ્ય અને જળ સિંચાઈ ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃત્તિ કરવા માટે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે.તેમણે દૂધળાનું મૃત સરોવર ફરી જીવંત પણ કર્યું છે સૌરાષ્ટ્રના ગામમાં પાણીની અછત છે ત્યાં એમણે તળાવ બનાવવાનું પણ નિર્માણ કર્યું છે.
12 એપ્રિલ 1962ના રોજ અમરેલીના દૂધાળા ગામમાં જન્મેલા સવજીભાઇ ધોળકિયાએ ધો.5 સુધીનો અભ્યાસ કર્યો છે. રોજગારીની શોધમાં તેઓ તેમના કાકા ગોવિંદભાઇ ધોળકિયાના આહ્વાનને પગલે 1978માં સુરતમાં વિકસી રહેલા હીરા ઉદ્યોગમાં રત્નકલાકાર તરીકે કામ કરવા સુરત આવ્યા હતા. આજે તેઓ સખત પરિશ્રમ અને મહેનતથી 6 હજાર કરોડનું ટર્નઓવર ધરાવનાર હરિક્રિષ્ના એક્સપોર્ટ ડાયમંડ કંપનીના માલિક છે. સવજીભાઇની સફળતા પાછળ તેમની માતાનો મોટો ફાળો છે. સુરત આવ્યા પછી તેઓ દુધાળા ગામે ઘણીવાર પરત થઇ જતા હતાં પરંતુ તેમની માતાએ સુરત જઇને તેમને સફળ થવાનો આગ્રહ રાખ્યો હતો. સવજીભાઇએ પિતા પાસેથી 3900 રૂપિયા ઉછીના લઇ પ્રાગજીભાઇ સાથે ભાગીદારીમાં હીરાનો વ્યવસાય કર્યો હતો. તે પછી તેમણે પાછા વળીને જોયું નથી.