ગુજરાત બ્રેકિંગ હંમેશા જ કહેતું આવ્યું છે કે, સુરત માટે એરપોર્ટ તંત્રએ એકડો જ ખોટો ઘુંટ્યો છે. આ વાતને સાબિત કરતો વધુ એક કિસ્સો એરપોર્ટની ગટરલાઈન બાબતે સામે આવ્યો છે. જાહેર સ્થળ તરીકે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવો જોઈએ એ એરપોર્ટ ગટર લાઈન પર નિર્ભર છે સેપ્ટીક ટેન્કથી કામ ચલાવવું આ ગુનો છે આ વ્યવસ્થા એ સહેજે કાયદેસર નથી અને 2007થી એરપોર્ટ એ કરતું આવ્યું. એરપોર્ટ ટર્મિનલનું એક્પાન્સન કરવાની વાત આવી ત્યારે એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટના સર્ટિફિકેટમાં આ ભોપાળું બહાર આવ્યું. દોઢ દાયકા પછી જોકે હવે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની તૈયારી છે. જોકે એરપોર્ટે અત્યાર સુધી જે રીતે ગાડું ગબડાવ્યું એ બેદરકારી તંત્રનો પીછો છોડશે નહીં એમ અત્યારસુધીના ઘટનાક્રમો જોતાં નિશ્ચિત છે.
હવે સવાલ એ પણ છે કે સુરત મહાનગરપાલિકા પાસે ગટરલાઈન માટે કોણે અરજી કરી હતી. કોઈ પુછનાર જ ન હોય એ રીતે ધકેલાતા કામો વચ્ચે જ્યારે ગટરલાઈન બાબતે અભ્યાસ કરવા એક જાગૃત નાગરિકે આપસુઝથી પ્રયત્ન કર્યો તો પાલિકા તરફથી જે પ્રતિસાદ મળ્યો એ પણ શહેરની નોકરશાહી માટે વિચાર કરતો મુકી દે એવો છે. આ બધું જોતાં વિકાસ કાર્યો માટે શહેરને ફાળવણી થતાં નાણાં ક્યાંક વેડફાઈ જ રહ્યા હોવાનો લોકો બળાપો કાઢે તો તેમાં સહેજે અતિશયોક્તિ નથી.
સુરત એરપોર્ટની નવિનીકરણનું ઉદઘાટન વડાપ્રધાન મોદી કરવાના છે એ દિવસોની ઘડીઓ ગણાઈ રહી છે. રનવેથી લઈને પાર્કિગ સહિતની સમસ્યાઓથી ઝઝુમતું શહેર સ્માર્ટ, સિલ્ક, ડાયમંડ જેવા હેવી ટેગલાઈનર વચ્ચે એરપોર્ટ માટે છતાંય દોઢ દાયકાથી ગરીબડું બનીને ઊભું છે. જાહેર સ્થળ તરીકે તેની પ્રતિષ્ઠાની ડગલે ને પગલે ધૂળધાણી થઈ રહી છે. જાહેર સ્થળ હોવાના કારણે અહીં પોતાની સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વ્યવસ્થા હોવી જોઈએ એ પ્રથમ કાયદાકીય જોગવાઈ સાથેની તદ્દન સ્વભાવિક વાત છે પરંતુ એ અત્યાર સુધી નભી રહ્યું છે પાલિકાની ગટર વ્યવસ્થા પર. આ સંજોગોમાં કોઈને પણ એ સવાલ સુઝી શકે છે કે એરપોર્ટે શું સુરત મહાનગરપાલિકા પાસે ગટરલાઈન માટે અરજી કરી હતી.
આ વાત ગંભીર છે અને તેની ગંભીરતાને ધ્યાનમાં લઈ આપસૂઝથી જ્યારે એક જાગૃત નાગરિકે પાલિકાના દરવાજે ટકોરા માર્યા તો તેમને થયેલો અનુભવ પણ ચોંકવનારી હદે જાણવા જેવો છે. પાલિકાની સાઉથ-વેસ્ટ ઝોનના ડે. ઈજનેરે આ અરજીનો જવાબ આપ્યો કે, આ થર્ડ પાર્ટી ઈન્ફોર્મેશન હોવાથી એરપોર્ટ ઓથોરિટીને અમારે પૂછવું પડશે કે માહિતી આપીએ કે નહી. જાહેર ક્ષેત્ર કેવી રીતે થર્ડ પાર્ટીમાં ગણી શકાય તે સમજાવવામાં જોકે, ડે. ઈજનેર મહાશય ગોથું ખાવા લાગ્યા. ત્રાહીત પક્ષ શબ્દનો ઉપયોગ કરી માહિતી ન આપવાની કારી અહીં ફાવટમાં ન આવી.
વાત એટલેથી પુરી નથી થતી. સાઉથ-વેસ્ટ ઝોનના ડે. ઇજનેરે બીજો બોલ ફેંક્તા અરજદાર જાગૃત નાગરિકને પૂછ્યું તમે કયા વિસ્તારમાં રહો છો. અરજદારે જ્યારે તેમનો વિસ્તાર અડાજણ કહ્યો તો તેમણે એરપોર્ટ મગદલ્લામાં હોવાની દલિલ કરી ફરી માહિતી ન આપવાની નિર્ધારિત મનસા સામે લાવી પરંતુ અહીં પણ તેઓ ફાવી શક્યા નહીં. સીધી વાત છે કેજરીવાલના બંગલાની માહિતી મેળવનાર તેમનો પડોશી જ હોવો જોઈએ એ કેવી રીતે નિયમ હોઈ શકે. ખેર આ સિસ્ટમની વાતો છે, પરંતુ શહેર જાગૃત છે એ બધું જ સમજે છે અને એટલે જ લોકશાહી જીવંત પણ છે. હાલ ગટરલાઈન બાબતે પાલિકા તરફથી જવાબ મળે તેની રાહ જોવાઈ રહી છે અને એ પણ જવાબ હશે કોઈક એક તંત્રનું ભેખડે ભેરવાવવું નક્કી છે એ સંજોગો જોતા લાગી રહ્યું છે. પર્યાવરણના લોકોને પાઠ ભણાવતા તંત્રએ હકીકતમાં તો અહીં પર્યાવરણ સામે દ્રોહ કર્યો છે.
એરપોર્ટે પર્યાવરણ સુરક્ષાના ગુનો કર્યો. પાણીના વપરાશ માટે જે વ્યવસ્થા દોડાવાઈ એ પણ તંત્રની ગુનાઈત બેદરકારી છે. સેપ્ટીક ટેન્કથી કામ ચલાવવામાં એસએમસીએ પણ સાથ આપી હવે વિગતો છૂપાવવાના પ્રયાસોથી પર્યાવરણના ધજાગરાં ઊજાવાયા છે. અહીં જો હવે ઝાડ રોપવાનાં નામે દંભ થતાં હોય તો તેનો કોઈ અર્થ નથી સરી રહ્યો. એરપોર્ટ ઓથોરિટીએ આ પ્રકરણમાં મિનિસ્ટ્રીમાં માફીપત્ર લખવાની ફરજ પડી છે. હવે પાલિકા અને એરપોર્ટ ઓથોરિટી ભેરવાઈ પડી છે અને આ ધાંધલી માથાનો દુઃખાવો સાબિત ન થાય તો નવાઈ રહેશે.