બુધવારે મોડી રાત સુધીની મથામણ બાદ ભાજપે 182માંથી 160 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી. ભાજપે પહેલાં તબક્કાની ચૂંટણીના 83 અને બીજા તબક્કાની ચૂંટણીના 77 ઉમેદવારના નામ જાહેર કર્યા. 160 ઉમેદવારોની યાદીમાં 75 ઉમેદવારો જ રિપિટ થયા છે.
ગુજરાતમાં ભાજપ દ્વારા 43 જેટલા પાટીદારોને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત 13 બ્રાહ્મણ ઉમેદવારોને, 14 જેટલા ક્ષત્રિયોને ટિકિટ અપાઈ છે. જ્યારે 13 કોળી, 14 ઠાકોરને પણ ચૂંટણીના મેદાને ઉતારાયા છે. ભાજપ દ્વારા 160 ઉમેદવારોમાંથી 13 એસસી, 24 એસટી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.
ભૂપેન્દ્ર સરકારના પાંચ મંત્રીઓની ટિકિટ પણ કાપવામાં આવતા મહાઆશ્ચર્ય- વર્તમાન કેબિનેટમાંથી રાજેન્દ્ર ત્રિવેદી અને પ્રદીપ પરમારની ટિકિટ કરાઈ છે. જ્યારે રાજ્યકક્ષાના બ્રિજેશ મેરજા, અરવિંદ રૈયાણી અને આરસી મકવાણાને પણ ટિકિટથી વંચિત રાખવામાં આવ્યા છે.
ભાજપની પ્રથમ યાદીમાં અનેક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે તો સાથે અનેક ઉમેદવારોને રિપીટ પણ કરવામાં આવ્યા છે. યુવા – મહિલાઓને તથા જ્ઞાતિના ફેકટરને પણ ધ્યાને લેવામાં આવ્યું હોય તેમ જણાય છે એટલે ખાસ્સા મનોમંથન બાદ 150 નો ટાર્ગેટ પૂરો કરવા કોનો ઘોડો દોડી શકે છે તેની પૂરેપુરી તકેદારી રાખવામાં આવી છે.
ભાજપના ઉમેદવારોના નામ જાહેર થતાંની સાથે જ બોટાદ, ગઢડા, ધંધુકા સહિત લીંબડી બેઠકના ઉમેદવારો સામે આમ આદમી પાર્ટીમાં રોષ ચરમ સીમાએ પહોંચ્યો છે. ત્રણેય બેઠકોના કાર્યકરોએ પક્ષને ચીમકી આપી છે કે જો ઉમેદવાર સ્થાનિક નહીં હોય તો કાર્યકરો જ પક્ષને નડશે.
ભાજપે પૂર્વ સીએમ વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના નેતાઓને ટિકિટ આપી નથી, જેમણે તાજેતરમાં ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી.
ભાજપના આ નેતાઓ કપાયા- બ્રિજેશ મેરજા, આર સી ફળદુ, વાસણ આહિર, વિજય રૂપાણી, નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મધુશ્રી વાસ્તવ, હિતુ કનોડિયા, વલ્લભ કાકડિયા, લાખાભાઈ સાગઠીયા, હકુભા જાડેજા, ગોવિંદ પટેલ, અરવિંદ પટેલ, સુરેશ પટેલ, કિશોર ચૌહાણ, અરવિંદ રૈયાણી, જગદીશ પટેલ, રાકેશ શાહ
ભૂપેન્દ્ર સરકારના પાંચ મંત્રીઓની ટિકિટ પણ કાપવામાં આવતા મહાઆશ્ચર્ય- વર્તમાન કેબિનેટમાંથી રાજેન્દ્ર ત્રિવેદી અને પ્રદીપ પરમારની ટિકિટ કરાઈ છે. જ્યારે રાજ્યકક્ષાના બ્રિજેશ મેરજા, અરવિંદ રૈયાણી અને આરસી મકવાણાને પણ ટિકિટથી વંચિત રાખવામાં આવ્યા છે.
ભારતીય જનતા પાર્ટી મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને આ વખતે ચૂંટણીમાં મોટો ફાયદો થયો છે. ભાજપે મોરબી દુર્ઘટના બની ત્યારે નદીમાં કૂદીને અનેક લોકોની જિંદગી બચાવનાર નેતાને વિધાનસભાની ટિકિટ આપી છે.
ભાજપે પ્રથમ યાદીમાં 14 મહિલાને ટિકિટ આપી
રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા- જામનગર ઉત્તર
દર્શનાબેન વાઘેલા – અસારવા
દર્શનાબેન દેશમુખ વસાવા- નાદોંદ
સંગીતાબેન પાટિલ – લિંબાયત
પાયલબેન મનોજભાઇ કુકરાઇ- નરોડા
મનિષાબેન રાજીવભાઇ વકીલ – વડોદરા
ભીખીબેન ગરવંતસિંહ – બાયડ
કંચનબેન વિનુભાઇ રાદડિયા – ઠક્કરબાપાનગર
નિમિશાબેન મનહરભાઇ ડિંડોર- મોરવાહડ
દર્શિતાબેન પારસભાઇ શાહ- રાજકોટ પશ્ચિમ
ભાનુબેન મનોહરભાઇ બાબરિયા – રાજકોટ ગ્રામીણ
ગીતાબા જયરાજસિંહ જાડેજા – ગોંડલ
માલતીબેન કિશોરભાઇ મહેશ્વરી – ગાંધીઘામ
જિજ્ઞાબેન સંજયભાઇ પંડ્યા – વઢવાણ
એલિસ બ્રિજ બેઠક પરથી અમદાવાદ ભાજપ પ્રમુખ અમિત શાહ અને જમાલપુર બેઠક પરથી ભૂષણ ભટ્ટનું નામ જાહેર થયું છે. અમદાવાદના પૂર્વ મેયર અને શાસક પક્ષના નેતા રહી ચૂકેલા અમિત શાહ અને પૂર્વ કોર્પોરેટર ભુષણ ભટ્ટ બંને એકબીજાના વેવાઈ થાય છે. ભૂષણ ભટ્ટની પુત્રી મિકીતાના લગ્ન અમિત શાહના પુત્ર રુચિર શાહ સાથે થયા છે.
હાર્દિક પટેલે ભાજપમાં જોડતી વખતે પોતાને ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નાનો સૈનિક’ ગણાવ્યો હતો. ભાજપે વિરમગામ જેવી મહત્વની બેઠક જીતવાની જવાબદારી પીએમના આ નાનકડા સૈનિક પર નાખી દીધી છે. વિરમગામ બેઠક પરથી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ડો. તેજશ્રીબેન દિલીપકુમાર પટેલને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેમને કોંગ્રેસના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. તેણીને લાખાભાઈ ભીખાભાઈએ લગભગ 6000 મતોથી હરાવ્યા હતા.
ભાજપાનો વોર રૂમ કમલમ ખાતે છે જયારે કોંગ્રેસે પોતાના વોર રૂમનું સ્થળ ગુપ્ત રાખ્યુ છે. ભાજપા સોશ્યલ મીડીયા ઇન્ચાર્જ મનન દાણીએ કહ્યું, ‘ભાજપા ચુંટણી ટાણે જ સોશ્યલ મીડીયા પર પ્રચાર નથી કરતી. અમારૂ મીડીયાનું કામ મીડીયાની જેમ જ ૩૬૫ દિવસ ચાલુ રહે છે. મહત્વની વાત એ છે કે અમે આના માટે કોઇ એજન્સી ભાડે નથી રાખતા, અમે અમારૂ સોશ્યલ મીડીયા કેમ્પેન અમારા કાર્યકરોની તાકાતથી ચલાવીએ છીએ.’
કોંગ્રેસને રામ રામ કહીને આવેલા 13 નેતાઓને ભાજપે ટિકિટ આપી છે. જેમાં કુંવરજી બાવળિયા, હાર્દિક પટેલ, ભગા બારડ સહિત 13 નેતાઓને આપેલુ વચન ભાજપે નિભાવ્યું છે.
બોટાદના સાળંગપુર રોડ પર ત્રણેય વિધાનસભાના કાર્યકરોની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજભા ઝાલા હાજર રહ્યા હતા. ત્યારે આપના કાર્યકરોની નારાજગીને રાજભાએ સમર્થન આપ્યું હતું અને પાર્ટી નિર્ણય ના બદલે તો આપના ઉમેદવારો સામે આપના જ કાર્યકરો લડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. જેથી હવે બોટાદ, ગઢડા, ધધુકા, લીંબડી બેઠક પર આપ માટે કપરા ચઢાણ થવાના છે.
ભાજપની પ્રથમ યાદી જાહેર થતાં જ PASS આગેવાન દિનેશ બાભણીયાએ કોંગ્રેસ પર સાધ્યુ નિશાન: દિનેશ બાભણીયાએ ટ્વીટ કરીને લખ્યું કે, પાટીદાર આંદોલન સમિતિના મુખ્ય ચહેરાઓને BJP-AAP ટીકીટ આપે છે, તો કોંગ્રેસને શું પેટમાં દુઃખે છે ? “માસુમ સવાલ”
સુરતમાં જ મોટા ભાગની બેઠકો પર ઉમેદવારોને રિપીટ કરાયા છે. સુરત બેઠકો પર પૂર્ણેશ મોદી, સંગીતા પાટીલ, વિવેક પટેલ અને અરવિંદ રાણાને ટિકિટ મળવા અંગે ખૂબ પહેલેથી જ શંકાઓ દર્શાવાતી હતી. અરવિંદ રાણાને ગત ચૂંટણીમાં પણ માંડ ટિકિટ મળી હોવાનું કહેવાતું હતું ત્યારે ફરી તેમને ટિકિટ મળતાં સૌથી મોટું અચરજ સર્જાયું છે,
પૂર્ણેશ મોદીના કેસમાં ગત વખતે તો તેમને રીતસર કાપવામાં જ આવ્યા હતા પરંતુ તેઓને પાછળથી ટિકિટ આપવા સાથે મંત્રીપદ પણ આપવામાં આવ્યું, ગત વર્ષે તેમની પાસેથી મંત્રી મંડળમાંથી એક પોર્ટફોલિયો લઈ લેવાયા બાદ તેમના વિરોધીઓ માનવા લાગ્યા હતા કે હવે તેમને ટિકિટ નહીં જ મળશે પરંતુ આ વખતે તો પ્રથમ યાદીમાં જ તેમનો સમાવેશ થયો છે, જે તેમનુ વજન સાબિત કરે છે.
બીજીતરફ અનેક સોસાયટીઓમાં વિરોધ કરતાં બેનર્સ લાગ્યા હતા અને કાર્યકરો જેમને ટિકિટ મળશે તો ભાજપના લિંબાયત વિસ્તારમાંથી વળતાં પાણી થશે તેવી ચિમકી આપતાં હતા તે ધારાસભ્ય સંગીતા પાટીલને પણ ભાજપે ફરીવખત ટિકિટ આપી છે.
સુરતના વરાછામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને પાટીદાર આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયા સામે ભાજપે કુમાર કાનાણીને મેદાનમાં ઉતારતા એ સૌથી રસપ્રદ ચૂંટણી જંગ બની રહેવાના આસાર છે.