લાંચ-ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈએ આઈએએસ અધિકારી કે. રાજેશ પર દરોડા ઓપરેશન હાથ ધર્યા બાદ મોડી સાંજે ધરપકડ કરી હતી. તેમના નિવાસસ્થાન અને લોકરમાંથી કેટલાક દસ્તાવેજો અને ડીજીટલ સામગ્રી જપ્ત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં જપ્ત થયેલા જમીન અને મકાનના 8 દસ્તાવેજોની કિંમત 400 કરોડ જેવી થતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. હજુ સંખ્યાબંધ પૂરાવાઓની ચકાસણી બાકી છે. તપાસના અંતે અનેક મોટા નામોના ખુલાસા સીબીઆઈ દ્વારા થાય તેવી શક્યતા છે.
સીબીઆઈ સુત્રોનું કહેવું છે કે, એ કે. રાજેશના નિવાસસ્થાન સહિતના સ્થળોએ હથિયાર લાયસન્સ,જમીન વ્યવહારોમાં લાખોની લાંચ લેવાની બાતમીના આધારે દરોડા કાર્યવાહી કરવામાં આવી છે. લાંચના નાણામાંથી તેમણે સુરત, અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં મિલ્કતો પણ ખરીદી હોવાનું જાણમાં હતું. તેના નિવાસસ્થાનેથી જમીનના પ્લોટના 8 દસ્તાવેજો મળી આવ્યા છે જેની કિંમત 400 કરોડ જેવી હોવાનો પ્રાથમિક અંદાજ મુકાયો છે.
આ સિવાય સુરતના અન્ય ફલેટ અને મકાન સહિતની મિલ્કતોના પૂરાવા મળ્યા છે જેની કિંમતની આકારણી કરવાની બાકી છે. અમુક પ્રોપર્ટી અન્યોના નામે હોવાનું જણાયું છે. અન્યોના નામની પ્રોપર્ટીના દસ્તાવેજ કે. રાજેશના લોકરમાં કેમ રખાયા છે તે પણ તપાસનો વિષય છે.લોકરમાંથી અન્ય કિંમતી વસ્તુઓ પણ મળી છે.જે વિષે સંબંધીત બેંકનો સંપર્ક કરીને તપાસ કરાશે.
સીબીઆઈ દ્વારા જારી કરાયેલી સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર, હથિયાર લાયસન્સ આપવામાં લાંચ લેવા ઉપરાંત સરકારી જમીનની ફાળવણી અને સરકારી જમીન પરનું દબાણ કાયદેસર કરી દેવા જેવા કિસ્સાઓમાં મોટો ભ્રષ્ટાચાર કરવા અંગે કે. રાજેશને સુરત સ્થિત રફીક મેમણ તથા અન્ય અજાણ્યા વચેટિયાઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
સીબીઆઈ તપાસમાં એવું બહાર આવ્યું છે કે ભ્રષ્ટાચાર આચરવામાં સરકારી નામ પણ વટાવવામાં આવતું હતું. લાંચની કેટલીક રકમ ચેક મારફત પણ વસુલવામાં આવતી હતી. સુજલામ-સુફલામ નામની પેઢી પણ તેઓએ ખોલી નાખી હતી. જેને કારણે નાણા આપનારા લોકોને આ ફંડ સરકારમાં જશે તેવી છાપ ઉપસતી હતી. ચેક અને ઓનલાઇન ટ્રાન્સફર મારફત પણ લાંચના નાણા વસૂલવામાં આવતા હતા અને લોકોને એમ થતું હતું કે આ નાણા સરકારમાં જ ટ્રાન્સફર થાય છે.
બીજીતરફ ગુજરાત કેડરના આઈએએસ અધિકારી કે. રાજેશના ભ્રષ્ટાચારમાં વચેટિયાની ભૂમિકા ભજવતા સુરતના કાપડના વેપારી રફીક મેમણની પણ સીબીઆઈએ ધરપકડ કરી હતી. અદાલતે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રફિક અને કે. રાજેશના કનેક્શન અંગે તમને જણાવી દઈએ કે, આઈએએસ અધિકારી કે. રાજેશ સુરતમાં 2013 થી 2018 સુધી જિલ્લા વિકાસ અધિકારી અને બારડોલીમાં સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ હતા. તેઓ ફેશનના આગ્રહી હતા. ફેશનેબલ કપડા પહેરવાના શોખીન હતા. તેને કારણે સુરતના રામપુરામાં જીન્સ કોર્નરના નામે મોટી દુકાન ધરાવતા કાપડના વેપારી રફીક મેમણના સંપર્કમાં આવ્યા હતા. ગીફ્ટ આપીને અધિકારીઓને ખુશ રાખવામાં માહીર રફીક મેમણ થોડા સમયમાં તેમની નજીક આવીને વચેટિયાની ભૂમિકા ભજવતો થયો હતો. જોતજોતામાં રફીક મેમણ આ અધિકારીની એટલી નજીક આવી ગયો હતો કે. રાજેશ વતી લાંચ સ્વીકારીને યોગ્ય જગ્યાએ તેનું રોકાણ પણ કરી દેતો હતો.
રફીક મેમણના આ સિવાય પણ ઘણાં ઉચ્ચ અધિકારીઓ સાથે સંપર્કો હતા. આઈએએસ અધિકારી કે. રાજેશ તથા તેના વચેટિયા એવા સુરતનાં રફીક મેમણની સીબીઆઈએ ભ્રષ્ટાચારના ગુનામાં ધરપકડ કરી જ છે ત્યારે અન્ય સિનિયર અધિકારીઓને પરસેવો વળવા લાગ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પોસ્ટીંગ ધરાવતા અધિકારીઓનાં સંપર્કમાં છે. અમુક સિનિયર આઈપીએસ અધિકારીઓ સાથે પણ ઘરોબો છે. સુરતના આઈપીએસ અધિકારીઓ સાથે પણ ગાઢ નાતો છે. એમ કહેવાય છે કે અનેક અધિકારીઓના વચેટિયા તરીકે રફીક મેમણ કામકાજ કરે છે. તેઓ વતી ભ્રષ્ટાચાર અને લાંચનાં નાણા સ્વીકારવા ઉપરાંત તેનું રોકાણ કરવામાં પણ મદદરુપ થાય છે. આ સંજોગોમાં તપાસનો રેલો અન્ય અધિકારીઓ સુધી પહોંચે છે કે કેમ એ જોવું રહ્યું.