ઓડિશામાં એક સ્થાનિક વેબ ન્યૂઝ ચેનલમાં કામ કરતા 28 વર્ષીય કેમેરામેનની તે જ ચેનલની મહિલા સંપાદક દ્વારા હત્યા કરવાનો આરોપ છે. મહિલા સંપાદક પર હત્યાની માસ્ટરમાઈન્ડ હોવાનો આરોપ છે.
મહિલા સંપાદક શર્મિષ્ઠા રાઉત 45 દિવસથી ફરાર હતી. પોલીસ માને છે કે કેમેરામેન સ્વેનની હત્યા મેમરી ચિપના કારણે કરવામાં આવી હતી જે તેણે શર્મિષ્ઠા રાઉતને આપવાનો ઇનકાર કર્યો હતો. પોલીસે જણાવ્યું કે કેમેરામેન 7 ફેબ્રુઆરીથી ગુમ હતો, 12 માર્ચે એક ખેતરમાંથી કેમેરામેનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે શર્મિષ્ઠા એક વેબ ન્યૂઝ ચેનલની માલિક છે જેમાં 28 વર્ષીય કેમેરામેન માનસ સ્વેન કામ કરતો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્ય આરોપી અને તેનો સાથી કોલકાતા અને ત્યાંથી ગુવાહાટી ભાગી ગયા હતા, ત્યારબાદ તેઓ જ્યારે પકડાયા ત્યારે તેઓ ભુવનેશ્વર પરત ફરતા હતા. આ કેસના સંબંધમાં એક નિવૃત્ત ઓડિશા ઇન્ફોર્મેશન સર્વિસ (OIS) અધિકારી સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ભદ્રક જિલ્લા પોલીસ દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવી રહી હતી અને તેમાં કથિત રીતે બે મંત્રીઓ સંડોવાયેલા હોવાના કારણે આ મામલો ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કેમેરામેન પાસે વાંધાજનક ફોટો ધરાવતી ‘ચિપ’ હતી અને તે જ ચિપ તેણે પોતાની ચેનલના માલિકને આપવાની ના પાડી હતી. રાઉતને ચિપ આપવાનો ઇનકાર કરવા બદલ સ્વેનની હત્યા કરવામાં આવી હતી.
ગયા અઠવાડિયે આ કેસ CIDને સોંપવામાં આવ્યો હતો. અગાઉ જિલ્લા પોલીસે 6 લોકોની ધરપકડ કરી હતી અને રાઉતની શોધ ચાલુ હતી. પોલીસ તે ચિપને શોધી રહી છે અને આગળની તપાસ વધારી રહી છે. પોલીસનું કહેવું છે કે આમાં ઘણા હાઈપ્રોફાઈલ લોકો સામેલ હોવાની શક્યતા છે. પોલીસ તપાસ આગળ વધી રહી છે ત્યારે આ હત્યામાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.