બિહારમાં છેલ્લા ત્રણ દિવસમાં બનાવટી દારૂના કારણે 66 લોકોના મોત થયા છે. જેમાંથી છપરામાં 61 અને સિવાનમાં પાંચ મોત થયા છે. આ પછી દારૂને લઈને રાજકારણ ગરમાયું છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિધાનસભામાં નિવેદન આપ્યું હતું કે નકલી દારૂ પીને મૃત્યુ પામેલા લોકો પ્રત્યે તેમને કોઈ સહાનુભૂતિ નથી. જે તે પીશે તે મરી જશે. હવે વિપક્ષ આ અંગે બિહાર સરકારને ઘેરવામાં વ્યસ્ત છે.
સવાલ એ છે કે કયા રાજ્યમાં નકલી દારૂના કારણે કેટલા મૃત્યુ થાય છે? જ્યાં જ્યાં દારૂબંધીનો કાયદો અમલમાં છે ત્યાં શું સ્થિતિ છે? દારૂ પર પ્રતિબંધ હોવા છતાં ગુજરાતમાં પણ તેના કારણે લોકો કેવી રીતે મૃત્યુ પામે છે? અને આ દારૂ ગુજરાતમાં કેવી રીતે પહોંચે છે જ્યાં પ્રતિબંધ છે?
ગુજરાતમાં રાજ્યની સ્થાપના થઈ ત્યારથી જ સંપૂર્ણ દારૂૂંધી છે એ સિવાય હાલમાં બિહાર, મિઝોરમ, નાગાલેન્ડ અને લક્ષદ્વીપમાં દારૂ પ્રતિબંધ કાયદો અમલમાં છે. અહીં દારૂ પીવાની મનાઈ છે.
વાત ગુજરાતની જો હવે કરીએ તો 2022 જુલાઈ બોટાદનો લઠ્ઠાકાંડ સૌથી તાજો અને ચર્ચાસ્પદ છે એ ઉપરાંત સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો, 2016માં ગુજરાતમાં 25, 2017માં 11, 2018માં 01, 2019માં 03 અને 2020માં 10 મોત નોંધાઈ છે. બોટાદ ખાતે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ધીરે ધીરે કરીને મોતનો આંકડો 41 ને આંબી ગયો હતો. બોટાદમાં ઝેરી દારૂકાંડથી ગુજરાત હચમચી ઉઠ્યું હતું. ઝેરી દારૂકાંડની ઘટના બાદ રાજ્યભરમાં પોલીસ દોડતી થઈ ગઈ છે.
એ અગાઉ, અમદાવાદમાં વર્ષ 2009ના 6 જુલાઇના રોજ ઓઢવ, કાગડાપીઠ અને બાપુનગરમાં લઠ્ઠાકાંડ થયો હતો. જેમાં 123 લોકોના મોત થયા હતા અને એટલું જ નહીં 200 લોકોને આંખો ગુમાવવાનો વારો આવ્યો હતો. આવો જ એક ભયાનક લઠ્ઠાકાંડ સુરતમાં પણ થયો હતો. સુરતના લઠ્ઠાકાંડમાં 24થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે પણ આવી કોઈક ઘટના પ્રકાશમાં આવે છે ત્યારે થોડો સમય દબાણ અને તવાઈ જેવા શબ્દોનું પ્રચલન જોવા મળે છે પણ એ થોડા સમય પુરતું જ હોય છે. ત્યારબાદ શરાબના અડ્ડાઓ ફરી બમણાં જોરથી ધંધા પર લાગી જતાં હોય છે.
આ સમજવા માટે અમે ગુજરાતના ઘણાં વરિષ્ઠ પત્રકારો સાથે વાત કરી. તેમનું કહેવું હતું કે, ‘વહીવટી દુર્બળતાને લીધે જ આજે પણ ગુજરાતની અંદર ભલે એ સુરત હોય કે, અમદાવાદ, વડોદરા અથવા કોઈપણ શહેર-ગામડું બધે જ આડેધડ રીતે દારૂ વેચાઈ રહ્યો છે. અધિકારીઓ બધું જાણે છે, છતાં કંઈ કરતા નથી. વહીવટી અધિકારીઓ અને કથિત આગેવાનો પણ આમાં સામેલ છે. આ જ કારણ છે કે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં આવી ઘટનાઓ બને છે. આ ઘટનાઓ બાદ જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. થોડા સમયમાં જ બધું પૂર્વવત્ થઈ જાય છે.
જાણકાર પત્રકાર મિત્રો વધુમાં કહે છે, ‘ગુજરાતમાં એક તરફ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને બીજી તરફ મહારાષ્ટ્રથી ધડલ્લે દારૂ આવે છે. સરહદ પર દારૂની હેરાફેરી કરનારાઓને રોકવાની વ્યવસ્થા કેવી છે એ સૌ જાણે જ છે.