હવામાન વિભાગે હાલમાં જ ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત કરી હતી. પરંતુ અરબ સાગરમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમને કારણે છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ફરી ધબધબાટી બોલાવી છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને વધુ એક આગાહી કરતાં કહ્યું કે, ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં આગામી 16થી 22 ઑક્ટોબર સુધી છૂટોછવાયો વરસાદ રહેશે.
16 અને 17મી ઓક્ટોબરે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.અંબાલાલ પટેલે કહ્યું કે, ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળના ઉપસગારમાં આ મહિને વાવાઝોડાની શક્યતા છે. ભૌગોલિક સ્થિતિ જોતા અરબસાગરમા 14 થી 15 ઓક્ટોબર સુધીમાં ભેજના કારણે વરસાદની શક્યતા છે. આ કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વારસાદ રહેશે. 17 ઓક્ટોબરથી અરબ સાગરમાં ભારે પવન ફૂંકાશે. અરબસાગરમા ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. આ ડીપ ડિપ્રેશન તોફાનમાં ફેરવાઈ શકે છે. આ કારણે 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં વરસાદ રહેશે. અંબાલાલે આ વર્ષે દિવાળી બગડવાની પણ કરી આગાહી. તેમણે કહ્યું કે, દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે. 7 નવેમ્બર બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. 17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે.
બનાસકાંઠા, અમદાવાદ, પાટણ, મહેસાણા, ભાવનગર, ગીર સોમનાથ, ડાંગ, નવસારી અને દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ પણ જામ્યો છે. હવામાન વિભાગે અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા દર્શાવી હતી, જે સાચી ઠરી છે.