ફિલ્મ ‘આદિપુરુષ’ શરૂઆતથી સતતને સતત વિવાદોમાં ફસાયેલી છે. સૌ પહેલા તો VFX અને પાત્રોના કપડાં ઉપરાંત લૂકને લઈને લોકોમાં ભારે હોબાળો થયો, ફિલ્મ રિલીઝ થયા પછી લોકોએ તેના સાવ હલ્કી કક્ષાના ટપોરી છાપ ડાયલોગ્સ સામે વાંધો ઉઠાવ્યો. ‘કપડા તેરે બાપ કા, જલેગી તેરે બાપ કી…’ જેવા સંવાદો સાંભળીને જનતાને ભારે આઘાત થયો હતો. આવી સ્થિતિમાં હવે મેકર્સે પાંચ દિવસ બાદ ફિલ્મના ડાયલોગ બદલ્યા છે. ચાલો તમને જણાવીએ કે મેકર્સે હવે એ ડાયલોગમાં શું ઉમેર્યું અને શું ઘટાડ્યું છે.
આદિપુરુષ ફિલ્મનો પહેલો ડાયલોગ હતો, ‘કપડા તેરે બાપ કા, તેલ તેરે બાપ કા, આગ ભી તેરે બાપ કી, ઔર જલેગી ભી તેરે બાપ કી.’ હવે મેકર્સે ‘બાપ’ને બદલે ‘લંકા’ શબ્દનો ઉપયોગ કર્યો છે. તેથી જ હવે ડાયલોગ બની ગયો છે, ‘કપડા તેરી લંકા કા, તેલ તેરી લંકા કા, આગ ભી તેરી લંકા કી ઔર જલેગી ભી તેરી લંકા કી.’
વચન મુજબ, ‘આદિપુરુષ’ના નિર્માતાઓએ ફિલ્મના કેટલાક સંવાદો બદલ્યા છે. તેની ‘ટપોરી ભાષા’ને કારણે લોકોને વાંધો હતો. દિગ્દર્શક ઓમ રાઉત, સહ-લેખક મનોજ મુન્તાશીર અને નિર્માતાઓ ટી-સિરીઝ અને યુવી ક્રિએશન્સે વચન આપ્યું હતું કે લોકોની લાગણીઓને માન આપીને કેટલાક વિવાદાસ્પદ સંવાદો બદલવામાં આવશે.