એક સમય હતો જ્યારે ધ્વજવંદન કાર્યક્રમ એટલે કાં તો એ સરકારી કાર્યક્રમ ગણવામાં આવતો કાં તો એ શાળાના બાળકોની ફરજ સુધી સિમિત રહી જતો પરંતુ એ સમય હવે બદલાઈ ચૂક્યો છે. આજે સૌ કોઈ દિવાળી, ઉત્તરાયણની જેમ જ હર્ષ અને ઉત્સાહથી આપણા રાષ્ટ્રના ગૌરવના પ્રતીક એવા આપણા ‘તિરંગા’ ના માન-સન્માન માટે એકત્રિત થાય છે.
આ વાત છે સુરતના હીરાબાગ વિસ્તારની વિઠ્ઠલનગર સોસાયટીની જ્યાં 15 ઓગસ્ટ આપણા સ્વતંત્રતા પર્વની ઉજવણીનો માહૌલ જૂઓ તો બેઘડી હૈયું ભરાઈ શકે છે. સોસાયટીમાં વડીલો અને બાળકો સાથે મળીને જે અદમ્ય ઉત્સાહથી આ પર્વની ઉજવણી કરતાં જોવા મળ્યા તો લોકોને લાગ્યું કે આ પળ અહીં જ થંભી જાય. સોસાયટીના વડીલો સાથે જ્યારે ઉજવણી અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિની એ નૈતિક ફરજનો ભાગ છે કે તે પોતાના દેશ અને તેના પ્રતીકોનું સન્માન કરે. જ્યારે તમે પોતે જ તમારી વસ્તુનું સન્માન નહીં કરો, તો પછી બીજું કોઈ શા માટે અને કેવી રીતે કરશે. તેથી, તે ખૂબ જ જરૂરી છે કે આપણે આપણા દેશના પ્રતીકો અને વારસાનું રક્ષણ કરીએ અને તેનું સન્માન કરીએ. બસ એ જ વિચાર સાથે અને સમગ્ર સોસાયટીના આબાલવૃદ્ધ એકત્રિત થઈ આ મહાપર્વને ભવ્ય બનાવવા પ્રયત્ન કર્યો.
હીરાબાગની વિઠૃલનગર સોસાયટીનો આ કાર્યક્રમ અનેક રીતે નવી રાહ દેખાડતો હતો. ધ્વજ વંદન કાર્યક્રમ દરમિયાન સોસાયટીના નાના બાળકોએ દેશભક્તિના ગીતોની સુંદર રજૂઆત કરી તો વડીલોના હ્રદયને પણ ટાઢક મળી કે ઈચ્છાશક્તિ હોય તો ભક્તિ તરફ પેઢીને વાળવું એ અઘરું નથી. તેમને ફક્ત નકારાત્મક રહીને નહીં પણ સાથે રહીને સાથ આપીને સાથે ચાલીને જ સારી દિશામાં વાળી શકાય છે. એ જ કારણ છે કે, વિઠ્ઠલનગર સોસાયટીમાં જ્યારે ધ્વજવંદન કાર્યક્રમ થયો ત્યારે મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ જણાતી હતી અને સૌએ દેશભક્તિના રંગમાં તરબોળ થઈ ધ્વજવંદનનો લાભ લીધો.