ICC ODI વર્લ્ડ કપ 2023 શરૂ થવામાં હવે ઝૂઝ સમય બાકી રહ્યો છે. એશિયા કપ જીત્યા બાદ ક્રિકેટના ચાહકો ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ લાવે એ માટે ભારે ઉત્સાહિત છે. વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે. ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપમાં પ્રથમ ટક્કર ઓસ્ટ્રેલિયા સામે થશે. બંને ટીમો 8મી ઓક્ટોબરે ચેન્નાઈમાં સામસામે આવશે. વર્લ્ડ કપમાં આ વચ્ચે ટીમ ઈન્ડિયાની જર્સીનો ફોટો સામે આવ્યો છે. બુધવારે ટીમ ઈન્ડિયાની ઓફિશિયલ કિટના સ્પોન્સર એડિડાસે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની નવી જર્સી લોન્ચ કરી. ભારતીય ખેલાડીઓ 8 ઓક્ટોબરે નવા અવતારમાં મેદાનમાં જોવા મળશે. નવી જર્સીમાં અનેક મહત્વના અને સંયોગપૂર્ણ ફેરફારો જોવા મળ્યા છે.
ખાસ વાત એ છે કે નવી જર્સીમાં ખભા પર ત્રણ સફેદ પટ્ટાઓનું સ્થાન બદલે હવે ત્રિરંગાના ત્રણ રંગે લીધું છે. એ ઉપરાંત BCCIના લોગોમાં બે સ્ટાર્સ જોવા મળશે. આ સ્ટાર એ 1983 અને 2011માં ભારતની ઐતિહાસિક ODI વર્લ્ડ કપ જીતનું પ્રતીક છે. તે જ સમયે, BCCIએ તેના સત્તાવાર એકાઉન્ટ પર વર્લ્ડ કપની નવી જર્સી અને થીમ સોંગનો વીડિયો પણ શેર કર્યો છે. જેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી, શુભમન ગિલ સહિત ઘણા ખેલાડીઓ વર્લ્ડ કપની નવી જર્સીમાં જોવા મળી રહ્યા છે. થીમ સોંગ ‘તીન કા ડ્રીમ હૈ અપના’ માં પ્રખ્યાત રેપર રફ્તારે અવાજ આપ્યો છે.
વીડિયો દ્વારા ભારતીયોને એ વાતનો ભરોસો આપવાનો પ્રયાસ થયો છે કે, ક્રિકેટ ચાહકો હવે ત્રીજી વખત ODI વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનું સપનું જુએ છે. ભારતનો મુકાબલો 15 ઓક્ટોબરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. બંને ટીમો વચ્ચેની આ શાનદાર મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.