બે દાયકા સુધી ટેનિસ જગત પર રાજ કર્યા બાદ રોજર ફેડરરે શુક્રવારે તેની છેલ્લી ટેનિસ મેચ રમી હતી. ટેનિસના ચાહકો માટે આ મેચ ખૂબ જ ખાસ હતી. લેવર કપમાં, રાફેલ નડાલ અને રોજર ફેડરર એક ટીમ માટે રમી રહ્યા હતા, જ્યારે તેઓ ફ્રાન્સિસ ટિયાફો અને જેક્સ સોકની અમેરિકન જોડી સામે હતા. ફેડરર-નડાલ આ મેચ 4-6, 7-6(2), 11-9ના માર્જીનથી હારી ગયા હતા. આ હારનો અફસોસ ફેડરરની આંખોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો અને મેચ પૂરી થયા બાદ તે રડવા લાગ્યો હતો.
24 વર્ષ સુધી ટેનિસ જગતમાં પોતાની મહાનતા દર્શાવ્યા બાદ હાર સાથે રમતને અલવિદા કહેવું ફેડરર માટે મુશ્કેલ હતું, પરંતુ તેણે ભીની આંખે તેનો સ્વીકાર કર્યો. તેની છેલ્લી મેચ દરમિયાન ફેડરર ખૂબ જ ભાવુક જોવા મળ્યો હતો. મેચ બાદ તેણે સાત મિનિટનું વિદાય ભાષણ આપ્યું અને એ બસ રડતો રહ્યો.
આ મેચમાં ફેડરર સાથે રાફેલ નડાલ પણ રમી રહ્યો હતો. તેણે ફેડરરને વિજય સાથે વિદાય આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ થયો નહીં. અંતમાં જ્યારે ફેડરર બોલી રહ્યો હતો ત્યારે રાફેલ નડાલ પણ પોતાના આંસુ રોકી શક્યો ન હતો. સમગ્ર કારકિર્દી દરમિયાન ફેડરરને પડકાર ફેંકનાર નડાલ આ મેચમાં તેની સાથે જોડી રમી રહ્યો હતો. તે જ સમયે, આ યુગના ત્રીજા મહાન ખેલાડી નોવાક જોકોવિચ પણ આ મેચ જોવા માટે આવ્યા હતા. ફેડરરની વિદાય વખતે તે પણ પોતાના આંસુ રોકી શક્યો નહોતો.
ફેડરરે 24 વર્ષની કારકિર્દીમાં 20 ગ્રાન્ડ સ્લેમ જીત્યા હતા, પરંતુ ઘૂંટણની ઈજાને કારણે 2021 વિમ્બલ્ડન પછીની મેચમાં તે ચૂકી ગયો હતો અને તેની નિવૃત્તિ નક્કી માનવામાં આવી હતી.
તેની છેલ્લી મેચના દિવસે તેણે કહ્યું હતું કે “ક્યાંકને ક્યાંક આપણે બધા આ ક્ષણમાંથી પસાર થઈએ છીએ. તે એક અદ્ભુત દિવસ હતો. હું ખુશ છું, દુઃખી નથી. અહીં આવવું ગર્વની વાત છે. અંતિમ વખત હું મારા શુઝની લેસ બાંધીને ખૂબ જ ખુશ છું. છેલ્લી વખત.” અહીં બધા માટે મારા માટે આ છેલ્લી વાર હતી. હું તણાવમાં આવ્યો ન હતો. જો કે, મને લાગ્યું કે કંઈક થવાનું છે, પરંતુ મેચ શાનદાર હતી. નડાલ અને બધા સાથે રમવું અદ્ભુત હતું. અદ્ભુત લોકો અને તમામ દિગ્ગજો અહીં આવવા બદલ તમારા બધાનો આભાર.”
ફેડરરે તેની પત્ની વિશે કહ્યું, “તે મને ઘણા સમય પહેલા રોકી શકી હોત, પરંતુ તેણે તેમ ન કર્યું. તેણે મને સતત રમવા દીધો આગળ વધવા દીધો. એ ખરેખર અદ્ભુત છે. થેંક્યૂ.”