સામાન્ય રીતે અત્યાર સુધી તમે લોકો લડતાં હોય અને પોલીસને શેરીઓમાં લડાઈને શાંત પાડતી જોઈ હશે, પરંતુ જ્યારે પોલીસ જ અંદર અંદર મારામારી શરૂ કરે ત્યારે આવી ઘટનાને તમે તેને શું કહેશો. આવો જ એક કિસ્સો હાલ સોશિયલ મીડિયા પર જોરશોરમાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભાગબટાઈ અંગે વિવાદ સર્જાતાં બે પોલીસકર્મીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, ઝપાઝપી થઈ અને બંનેએ એકબીજા પર લાકડીઓ વડે હુમલો પણ કર્યો હતો.
બંને પોલીસકર્મીઓ મુખ્ય માર્ગ પર એકબીજા સાથે લડતા રહ્યા. આ દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલા કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જે બાદ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જ્યારે વાયરલ વીડિયો જિલ્લા પોલીસ અધિક્ષક પાસે પહોંચ્યો ત્યારે બંને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. એવું કહેવાય છે કે બંને પોલીસ કર્મચારીઓ 112 ઇમરજન્સી સેવામાં તૈનાત છે. ગેરકાયદે વસૂલાત કર્યા બાદ રકમની વહેંચણી બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વધી ગયો કે ભાન ભૂલીને બંને રસ્તા વચ્ચે જ સામસામે આવી ગયા.