રીલ્સ બનાવવા ડુમસના દરિયાકિનારે ચીત્રવિચીત્ર હરકતો કરતાં યુવક-યુવતીઓ તો તમે જોયા હશે કદાચ એ વિચીત્રતા તમે આંખ આડા કાન કરીને ભૂલી પણ જશો પરંતુ વેસુના એક શોપિંગ કોમ્પલેક્સ પરથી જે હરકતો લોકોએ વીડિયોમાં કેદ કરી છે એ ભલભલાના જીવ અધ્ધર કરી દે તેવી છે. સોશિયલ મીડિયામાં વધુ લાઈક્સ મેળવવાની ઘેલછામાં આ યુવકોને એટલું પણ ભાન નથી પડી રહ્યું કે તેઓ પોતાના જીવ સાથે રમીને પરિવારને પણ તકલીફમાં મૂકી રહ્યા છે. સુરતમાં એક શોપિંગ કોમ્પ્લેક્સના ટેરેસ પર યુવકો જોખમ ખેડીને જે હરકતો કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે એ શહેરમાં ચર્ચાનો વિષય છે.
સુરતનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જે જોઈને સૌ કોઈ દંગ છે કે આ કેવી ઘેલછા જેમાં તેઓને સારા-નરસાનું ભાન પણ નથી રહ્યું. આ વીડિયો સુરતમાં વેસુ સ્થિત ધ ગ્રાન્ડ પ્લાઝા નામની બિલ્ડીંગનો છે. બિલ્ડીંગની ટેરેસ પર બે યુવાનો રીલ્સ કે ફોટોગ્રાફી કરતા હોવાનું દેખાઈ રહ્યું છે. નાની અમસ્તી ચૂક પણ તેઓને એટલી ભારે પડી શકે તેમ દેખાય છે કે જીવ જ ગુમાવવો પડે. બિલ્ડીંગ ખુબ જ ઊંચી છે અને આ બને યુવકો ટેરેસ પર ચડીને રીલ્સ બનાવી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવાના ચક્કરમાં રોજ સંખ્યાબંધ યુવાનો જીવ ગુમાવી રહ્યા છે. સતત આ પ્રકારની ઘટના બાદ પણ એ ઘેલછાથી કોઈ ડર નથી દેખાઈ રહ્યો. કદાચ હવે આવા કૃત્યોને રોકવા કાયદાનો દંડો ઉગામવો પડે તેવા દિવસો આવી રહ્યા છે. યુવાઓ તેની ગંભીરતા સમજીને ચેતે એ જરૂરી છે.