17 સેકન્ડનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક પોલીસવાળો પાણીની બોટલ સાથે ધીમેધીમે ચાલી રહ્યો છે. તે સૂતેલા પ્રવાસીઓ પર ચાલતાં ચાલતાં પાણી રેડતો હતો. પાણીના આ મારાથી અચાનક મુસાફરો ડરી જતાં હતા. આ વીડિયોમાં એક યુવાન અને એક વૃદ્ધ વ્યક્તિનો સમાવેશ થાય છે, જેઓ ઊંઘમાંથી અચાનક જાગી ગયા.
આ ઘટનાની સોશિયલ મીડિયા પર વ્યાપક ટીકા થઈ રહી છે. ટ્વિટર વપરાશકર્તાઓએ તેને અમાનવીય ગણાવી. પુણેના ડીઆરએમ ઈન્દુ દુબેએ આ ઘટનાના જવાબમાં એક નિવેદન બહાર પાડ્યું હતું, પ્લેટફોર્મ પર સૂવાને કારણે થતી અસુવિધાનો સ્વીકાર કર્યો હતો પરંતુ ભારપૂર્વક જણાવ્યું હતું કે પરિસ્થિતિને આ રીતે સંભાળવી એ કોઈપણ કાળે યોગ્ય નથી. ઘટનામાં પોલીસ પર બરાબર લોકો વરસી પડ્યા બાદ હવે તેમને મુસાફરો સાથે સન્માન, નમ્રતા અને શિષ્ટાચાર સાથે વર્તે તેવી સલાહ આપવામાં આવી છે. જોકે, લોકો એ ખુલાસાથી પણ ખુશ નથી કેમકે એ વ્યક્તિઓને જાતે પણ એટલું ભાન તો પડવું જ જોઈએ એ સ્વભાવિક છે.
લોકોએ રેલવે પોલીસકર્મીની ક્રિયાઓ પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. ટ્વિટર યુઝર્સે આ સાથે બળાપો ઠાલવતાં રાહ જોઈ રહેલા મુસાફરો માટે પ્લેટફોર્મ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓના અભાવને હાઈલાઈટ કર્યો હતો એટલું જ નહીં કોમેન્ટ સેક્શનમાં ટ્રેનો મોડી ચાલતી હોવાનો મુદ્દો પણ દર્શાવ્યો હતો.
વાયરલ વીડિયોથી પેસેન્જર સુવિધાઓ અને નાગરિક જાગૃતિની જરૂરિયાત વિશે વ્યાપક ચર્ચાઓને ગતિ મળી છે. વિડિયો સતત ફરી રહ્યો છે અને જાહેર પ્રતિક્રિયાઓ પણ વધી રહી છે. રેલવે સત્તાવાળાઓએ આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટેના તેમના અભિગમની સમીક્ષા કરે તેવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે.