ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન) તરફથી પ્રતિબંધિત સંત અમોઘલીલાદાસના નામ પર વિવાદો શમવાનું નામ નથી લઈ રહ્યા. અગાઉના વીડિયોનો વિવાદ શાંત થાય એ પૂર્વે તો તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ નવા વીડિયોમાં તેઓ મહિલાઓ અને તેમના શરીરના પ્રકાર વિશે વિચીત્ર રીતે વાત કરી રહ્યા છે. આ વીડિયો સામે આવતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. વીડિયોમાં તેણે જીમ જવાને બદલે ઘરના કામ કરવાની સલાહ આપી છે. એમ પણ કહ્યું કે મહિલાઓ માટે આ તેમનો આદર્શ છે.
હજી થોડા દિવસો પહેલા તેમણે સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ વિશે પણ અસહ્ય એવી અભદ્ર કોમેન્ટ કરી હતી. અમોઘલીલાદાસે માછલી ખાવા માટે સ્વામી વિવેકાનંદની ટીકા કરતા કહ્યું કે જે વ્યક્તિ સદગુણી હોય એ ક્યારેય કોઈ જીવને નુકસાન પહોંચાડી શકે નહીં. તેમણે રામકૃષ્ણના ઉપદેશ “જાતો માત તતો માર્ગ” (જેટલા મંતવ્યો, ઘણા રસ્તાઓ) પર પણ કટાક્ષ કર્યો હતો. તેમનું કહેવું હતું કે તમામ માર્ગો એક જ ગંતવ્ય તરફ દોરી જતા નથી. આ વિવાદ એ હદે વકરી ગયો હતો કે ઇસ્કોને તેમના પર એક મહિના માટે પ્રતિબંધ મૂકવાની ફરજ પડી.
હવે આ પ્રતિબંધને હજી તો માંડ ત્રણ દિવસ થયા ત્યાં અમોઘલીલાદાસના વાણીવિલાસનો વધુ એક ધબડકો લોકો સામે આવ્યો છે. લોકોના ધ્યાન પર જે વીડિયો આવ્યો છે તેમાં તો તેઓ મહિલાઓની ભારે મજાક ઉડાવી રહ્યા હતા. આ વીડિયોમાં તેઓ બેશરમાઈપૂર્વક મહિલાઓના શરીર પર કોમેન્ટ કરી રહ્યા છે.
વાયરલ વીડિયોમાં અમોઘલીલાદાસ કહે છે, હું લેપટોપવાળી છોકરી છું અને બેઠા બેઠા પછી થુંબા, બસનું ટાયર એક દિવસ ટ્રકનું ટાયર. અરે બહેન, જો તે એકદિવસ ઘરનું પોતું માર્યું હોતે ને તો ક્યારેય તારી કમર કમરો ન બની હોતે… તેઓ આગળ કહે છે કે તે પછી ટ્રેડમિલ પર દોડે છે, આવી રીતે દોડવાનો શું ફાયદો, તે ત્યાં જ રહી ગઈ. છોકરીઓ માટે ઘર એ નંબર વન જિમ છે. તેણે કહ્યું કે ઘરની ઘંટી ચલાવશે તો ડોલા બની જ જશે.
આ વીડિયો સામે આવતા જ હંગામો શરૂ થઈ ગયો. લોકોએ તેમની સંતવાણી સામે બરાબરનો રોષ ઠાલવવા માંડ્યો. કેટલાક લોકોએ કહે છે કે, આ પ્રવચનનો સમગ્ર વીડિયો મૂકવામાં આવે. મોટાભાગના યુઝર્સ આ વીડિયોને મહિલાઓ પ્રત્યે અનાદરથી ભરેલો ગણાવ્યો છે. બીજી તરફ એકે લખ્યું કે આ વીડિયો જોઈને મને સિમોન ધ બુઆની યાદ આવી ગઈ જેણે કહ્યું હતું કે સ્ત્રી જન્મતી નથી પણ બને છે. નાનપણથી જ તેના મનમાં એવી જ માન્યતાઓ રોપાયેલી છે કે ઘર તમારા માટે શ્રેષ્ઠ છે, ઘરના કામમાં નિપુણ હોવું સૌથી જરૂરી છે.
એક યુઝરે તો એવી પણ માંગ કરી હતી કે અમોઘલીલાદાસ પર એક જ મહિનાનો પ્રતિબંધ ઓછો છે એના કરતાં આજીવન પ્રતિબંધ મુકી દો યુઝરે લખ્યું કે તેમણે જે રીતે સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસના શબ્દોને વિકૃત કર્યા છે અને હવે મહિલાઓ પર તો કોમેન્ટ કરવામાં તેનું વિકૃત મગજ હદ વટાવી રહ્યું છે.