સુરત, અમદાવાદ સહિત રાજ્યમાં કારચાલકો તંત્રની કહેવાતી કડકાઈની જાણે કોઈ અસર જ ન હોય એ રીતે પોલીસને પડકાર ફેંકી વધુને વધુ બેફામ બની રહ્યા છે. સુરતમાં તો આરોપીનો જાહેરમાં પોલીસે પરેડ સુદ્ધા કરાવી લોકોને સ્પષ્ટ મેસેજ આપવા પ્રયાસ થયો પરંતુ તેમ છતાંય હજી લોકો ભાન ભૂલીને કાયદાને તાક પર રાખવાનો નશો ઉતારી નથી રહ્યા.
સુરતમાં વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે હદ વટાવી રહ્યો છે. એક બાળકના હાથમાં કારનું સ્ટિયરિંગ પકડાવી દેવાયું છે અને એ શહેરના રસ્તાઓ પર બિન્દાસ્ત કોઈપણ ડર વગર નીકળ્યો છે. લોકો આ વાયરલ વીડિયો પર ફટકાર વરસાવી રહ્યા છે.
સુરતમાં વધુ એક નાના ટાબરિયો સ્ટિયરિંગ પકડી કાર ડ્રાઇવિંગ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ખુદ કારચાલક બાળકને પોતાના ખોળામાં બેસાડી બાળકને સ્ટિયરિંગ હાથમાં આપી કાર હંકારાવી રહ્યો છે. બાળક તો સમજી લઈએ કે અબુધ છે પરંતુ તેને ચાલક શું શીખવી રહ્યો છે કાર શીખવે છે કે કાયદો બેકાર છે એ મગજમાં ભરી રહ્યો છે એ લોકોમાં ચર્ચાનો વિષય છે. નિયમોના પાલનમાં પોલીસ ક્યાંક અમીરી-ગરીબીની ભેદરેખા રાખીને કામ કરતી હોય તેવો મેસેજ પણ આ વીડિયોમાં વાયરલ થઈ રહ્યો છે અન્યથા આટલા જીવ લેતા કાંડ અને પોલીસની કહેવાતી કડકાઈ પછી આવી હિમ્મત જ કોઈનામાં કેવી રીતે આવી શકે એ સામાન્ય પરિવારોની સમજની બહારની વાત છે.
સુરત માં જીવલેણ અકસ્માતો ની ઘટનાઓ બની રહી છે છતાં જો આવી ગુનાઇત બેદરકારીના વિડિયો વાયરલ થઈ રહ્યા છે તો એ ચોક્કસ જ તંત્ર માટે શરમજનક વાત છે. હજી થોડા દિવસ અગાઉ વાલીની બેદરકારી સામે આવી હતી. સરથાણામાં કાર ચલાવતા બાળક નો વિડિયો વાયરલ થયો હતો. પોલીસ દ્વારા બાળકના પિતા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. એમ છતાંય આજે વધુ એક વીડિયો જાહેર થયા બાદ પોલીસ શું કાર્યવાહી કરે છે જોવું રહ્યું.