સુરતના વરાછા વિસ્તારની એક શાળામાં હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ પરીક્ષા આપવા શાળા સંકુલમાં પ્રવેશી હતી. હિન્દુ સંગઠનોએ આ બાબતે વિરોધ કરતાં મામલો ગરમાયો હતો. પોલીસે ઘટનામાં વિશ્વ હિંદૂ પરિષદના બારેક કાર્યકર્તાઓની અટકાયત કરી કાપોદ્રા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.
સ્કૂલ યુનિફોર્મ તરીકે હિજાબ પહેરવા બાબતે વિરોધની દેશભરમાં ફેલાયેલા વિવાદે આજે ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં પણ દસ્તક આપી હતી. સવારે વરાછા વિસ્તારની એક શાળામાં પ્રખરતા શોધ કસોટી ચાલી રહી છે. શાળામાં અભ્યાસ કરતી મુસ્લિમ વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને શાળામાં કસોટી આપવા આવી હતી. આ પ્રખરતા શોધ કસોટી ધોરણ 9 પછી લેવાય છે. ગુજરાત સરકાર દ્વારા લેવાતી આ કસોટીમાં પાસ થનારા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળે છે.
read more: સરખેજ ભારતી આશ્રમની સેવાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન
આ અંગેની જાણ સ્થાનિક રહેવાસીઓ તેમજ હિન્દુ સંગઠનોમાં થતાં તેમણે વિરોધ કર્યો હતો. હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ શાળા પાસે એકત્રિત થયા હતા. જોતજોતામાં અહીં મામલો ગરમાયો હતો. કાર્યકર્તાઓ હિજાબ યુનિફોર્મનો ભાગ ન હોવા બાબતે સુત્રોચ્ચાર કરવા સાથે શાળા કેમ્પસમાં પ્રવેશ મેળવતાં ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસે ઘટના સંદર્ભે વધુ પ્રત્યાઘાત ન પડે એ માટે સમજાવટથી કામ લેતાં સ્થળ પરથી વિશ્વ હિન્દુ પરિષદના બાર જેટલાં કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.