દિગ્ગજ ગીતકવિ ડો. વિનોદ જોશી અને પ્રતિષ્ઠિત કવિ વિવેક ટેલર, પહેલી મે, ગુજરાત સ્થાપના દિને એક નવતર પ્રવૃત્તિ સાથે આવી રહ્યા છે. એક અદભૂત શિબિરનું આયોજન તેમની ટીમ આ દિવસે કરી રહી છે. આ દિવસ એમ ખાસ છે કે સુરતમાં દર મહિનાના પ્રથમ રવિવારે નિયમિત યોજાતી કવિ અને કાવ્ય પ્રેમીઓની મહેફિલ ગુફ્તેગૂ-કાવ્યગોષ્ઠી ગ્રુપ 100મી બેઠકની ઉજવણી થઈ રહી છે. સાચે જ સુરતમાં વસતા ગુજરાતીઓ માટે આ સોનેરી તક છે.
ગુફ્તેગૂ-કાવ્યગોષ્ઠી ગ્રુપના વિવેક ટેલર અને મયૂર કોલડિયાએ આયોજન અંગે રજૂ કરેલી વિગતો અનુસાર, પ્રવર્તમાન સમયના દિગ્ગજ કવિ ડો. વિનોદ જોશીની નિશ્રામાં સુરતમાં દર મહિનાના પહેલા રવિવારે નિયમિત યોજાતી કવિ અને કાવ્ય પ્રેમીઓની મહેફિલ ગુફ્તેગૂ-કાવ્યગોષ્ઠી ગ્રુપ દ્વારા 100મી બેઠકના ઉપક્રમે એક દિવસીય ગીત શિબિર યોજાશે. નાનપુરા સ્થિત દિલીપ પરેશ રોટરી હોલ, નાનપુરા ખાતે ગુજરાત સ્થાપના દિન, 1 મેે રવિવારે સવારે 9થી સાંજે 5 સુધી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
ગીતશાસ્ત્રને સવિસ્તાર સમજવા, શીખવા માટેના આ શિબિરમાં ભાગ લેવા રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે અને નગણ્ય ફી સામે જે જ્ઞાન મળી શકે એ અમૂલ્ય છે. ગીત શીખવા માંગતી કોઈપણ ઉમરની વ્યક્તિ શિબિરમાં ભાગ લઇ શકે છે. મુખ્ય પ્રશિક્ષક કવિ વિનોદ જોશી જે પ્રમુખ વિષયોને શિબિરમાં સમાવી લેશે તેના પર નજર કરીએ તો, ગીતનો ઈતિહાસ ગ્લોબલ અને લોકલ તેમજ સ્વરૂપ વિચાર: પદ, ભજન, લોકગીત, ગરબા-ગરબી, અંજનીગીત, ઊર્મિગીત, નઝમ, રૂબાઈ અને ગીત – ત્યારનાં અને આજનાં ઉપરાંત ગીતમાં પણ છંદ-બંધારણ? ના હોય…, લય, ઢાળ અને રાગની સમજ, ગીતમાં ભાવ અને ભાષાનું નિયોજન, ગીતમાં આધુનિકતાનો આવિર્ભાવનો સમાવેશ થયો છે તો સાથે પ્રસિદ્ધ ગીતોનો રસાસ્વાદ થશે. રહી જાઓ એ પહેલા રાહ જોયા વગર સંપર્ક કરો, ગુફ્તેગૂ કાવ્યગોષ્ઠી ગ્રુપના સંદીપ પુજારા ( 9773293821), વિવેક ટેલર ( 9824125355) અને મયૂર કોલડિયા (9904461376) સાથે નોંધણી કરાવી લો.