અમેરિકાના અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે મોદી સરકાર વિરૂદ્ધ જાહેરખબર પ્રકાશિત કર્યા બાદ વિવાદ ઉભો થયો છે. ભારતમાં જ્યાં વિરોધ શરૂ થયો છે, અખબારના તંત્રીઓ માફી માંગે એવી માંગ કરવામાં આવી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયની વરિષ્ઠ સલાહકાર કંચન ગુપ્તાએ આ જાહેરાત માટે દેવાસ મલ્ટીમીડિયાના ભૂતપૂર્વ CEO રામચંદ્રન વિશ્વનાથનને જવાબદાર ઠેરવ્યા છે. જાહેરાતના તળિયે એક QR કોડ પણ છે, જેને સ્કેન કરવાથી અમેરિકન થિંક ટેન્ક Frontiers of Freedomની વેબસાઈટ ખુલે છે.
હકીકતમાં, અમેરિકન અખબારે પોતાની જાહેરાતમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિત 14 લોકોને વોન્ટેડની યાદીમાં મૂકીને પ્રતિબંધની માંગ કરી છે. અખબારે આ તમામ પર આરોપ લગાવતા કહ્યું કે આ તમામ લોકો ભારતની બંધારણીય સંસ્થાઓનો રાજકીય અને ઔદ્યોગિક જગતના વિરોધીઓ સામે હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. જાહેરાતની અંદર રોકાણકારોને ભારતમાં રોકાણ ન કરવા માટે કહેવામાં આવ્યું છે. અખબારે ભારતને રોકાણકારો માટે અસુરક્ષિત સ્થળ ગણાવ્યું હતું અને આરોપ મૂક્યો હતો કે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય એજન્સીઓના નિયંત્રણને કારણે દેશે તેની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે.
તમને જણાવી દઈએ કે આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતે યુએસ પ્રવાસ પર છે. આ યાદીમાં સુપ્રીમ કોર્ટના જજ હેમંત ગુપ્તા, સોલિસિટર જનરલ તુષાર મહેતા, એન્ટ્રિક્સ કોર્પના ચેરમેન રાકેશ શશિભૂષણ, વી રામાસુબ્રમણ્યમ, સ્પેશિયલ પીસી (પ્રિવેન્શન ઓફ કરપ્શન) એક્ટના જજ ચંદ્રશેખર, સીબીઆઈ ડીએસપી આશિષ પારિક, ઈડીના ડિરેક્ટર સંજય કુમાર મિશ્રા અને એડિશનલ સોલિસિટર જનરલ એન. વેંકટરામનનું નામ સામેલ છે. આ સિવાય EDના આસિસ્ટન્ટ ડાયરેક્ટર આર રાજેશ અને ડેપ્યુટી ડાયરેક્ટર એ સાદિક મોહમ્મદના નામ પણ આ જાહેરાતમાં સામેલ છે.