ભારતીય રિઝર્વ બેંક (RBI)એ એકતરફ સામાન્ય જનતા પર લોનનો બોજ વધાર્યો છે, બીજી તરફ મોટી રાહત પણ આપવામાં આવી છે. આરબીઆઈએ ક્રેડિટ કાર્ડ્સને UPI (યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ) સાથે લિંક કરવાની જાહેરાત કરી છે. તેની શરૂઆત રુપે ક્રેડિટ કાર્ડથી કરવામાં આવી છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે આજે UPI દ્વારા રુપે ક્રેડિટ કાર્ડ પેમેન્ટની મંજૂરી આપી છે. શક્તિકાંત દાસે નાણાકીય નીતિ સમીક્ષા પ્રેસમાં આ જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, હાલમાં, UPI યુઝર્સ ડેબિટ કાર્ડ દ્વારા બચત અથવા ચાલુ ખાતાને લિંક કરીને વ્યવહારોની સુવિધા આપે છે. દાસે જણાવ્યું હતું કે નવી વ્યવસ્થા ગ્રાહકોને UPI પ્લેટફોર્મ દ્વારા ચૂકવણી કરવા માટે વધુ તકો અને સગવડ પૂરી પાડશે તેવી અપેક્ષા છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે હાલમાં યુપીઆઈ પ્લેટફોર્મ પર 26 કરોડથી વધુ વપરાશકર્તાઓ અને 50 મિલિયન વેપારીઓ સંકળાયેલા છે. એકલા મે 2022માં 10.40 લાખ કરોડ રૂપિયાના 594.63 કરોડ ટ્રાન્ઝેક્શન UPI દ્વારા થયા હતા.
દાસે એમ પણ કહ્યું કે સેન્ટ્રલ બેંક અર્થતંત્રને મજબૂત કરવા પૂરતી તરલતા અથવા રોકડની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે. તેમણે કહ્યું, “આગામી સમયમાં, રોગચાળાને કારણે આપવામાં આવેલી વધારાની રોકડને કેટલાક વર્ષોમાં સામાન્ય સ્થિતિમાં લાવવામાં આવશે. જો કે, તે જ સમયે, કેન્દ્રીય બેંક એ સુનિશ્ચિત કરશે કે અર્થતંત્રની ઉત્પાદક જરૂરિયાતો માટે પૂરતી તરલતા ઉપલબ્ધ છે.
RBI ના મહત્વના નિર્ણયો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા બુધવારે રજૂ વર્તમાન નાણાકીય વર્ષ માટેની ત્રીજી દ્વિમાસિક નાણાકીય સમીક્ષાની હાઈલાઈટ્સ-
રેપો રેટ 0.50 ટકા વધીને 4.9 ટકા થયો. પાંચ સપ્તાહમાં રેપો રેટમાં આ બીજો વધારો છે.
ચાલુ નાણાકીય વર્ષ માટે ફુગાવાનો અનુમાન 5.7 ટકાથી વધીને 6.7 ટકા થયો છે.
2022-23 માટે આર્થિક વૃદ્ધિનું અનુમાન 7.2 ટકા પર યથાવત છે.
ક્રેડિટ કાર્ડ UPI સાથે લિંક કરવામાં આવશે. પહેલા રુપે ક્રેડિટ કાર્ડ ઉમેરવામાં આવશે.
ગ્રામીણ સહકારી બેંકોને વાણિજ્યિક રિયલ એસ્ટેટ ક્ષેત્રને ધિરાણ આપવાની મંજૂરી આપવી.
શહેરી સહકારી બેંકો ઘરઆંગણે બેંકિંગ સેવાઓ પૂરી પાડી શકશે.
ઈલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા નિયમિત અંતરાલે આવશ્યક સેવાઓ માટે સ્વ-ચુકવણી રૂ.5,000 થી વધીને રૂ.15,000 કરવામાં આવી છે.