ગુજરાત સરકારનો કોમન યુનિવર્સિટી એક્ટ હવે ઘણાં તબક્કે ગળાની ફાંસ બની રહ્યો છે. હકીકતમાં એક વર્ગ એવો પણ છે જેમના થકી આ એક્ટનો વિરોધ નથી થઈ રહ્યો પરંતુ તેને જે રીતે લાગૂ કરવામાં આવી રહ્યો છે તેનાથી શિક્ષણશાસ્ત્રીઓ અને યુવા વિદ્યાર્થીઓમાં નારાજગી તો ચોક્કસ જ પ્રવર્તી રહી છે. દરેક યુનિવર્સિટીના પોતાની નારાજગીના અલગ મુદ્દાઓ પણ છે. શિક્ષણ આલમની ચર્ચાઓ મુજબ રાજ્ય સરકારે કોમન યુનિવર્સિટી એક્ટ બાબતે ફેરવિચારણા કરવાની નોબત સર્જાઈ શકે છે. એ વચ્ચે વડોદરામાં મંગળવારે બુસા, બુટા, સેવ એજ્યુકેશન કમિટિ, અભિવ્યકિતની આઝાદી સહીતના સંગઠનોએ પોતાના મુદ્દાઓ પર આક્રોશ ઠાલવતો એક પત્ર લખીને ધારાસભ્યોને પોસ્ટ મારફતે બંગડીઓ મોકલી છે.
ભાજપના પોતાના સંગઠન અખિલ ભારતીય શિક્ષિત સંઘ અને અખિલ ભારતીય વિદ્યાર્થી સંઘ દ્વારા જ્યારે રાજ્ય સરકાર કોમન યુનિવર્સિટી એક્ટ લાવવાની તેયારી કરી રહી હતી ત્યારે રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને એક પત્ર પાઠવ્યો હતો. તેમણે 11 મુદ્દાઓ આ પત્રમાં રજૂ કર્યા હતા અને એ મુદ્દાસર ભલામણોનો સ્વીકાર વિદ્યાર્થીઓના વ્યાપક હિતને ધ્યાનમાં રાખી એક્ટમાં સમાવાય એવો આગ્રહ કર્યો હતો. કાર્યાલય મંત્રી જયરાજસિંહ ગોહિલે જારી કરેલી અખબારી યાદીમાં જણાવાયું હતું કે, એ આવશ્યક છે કે નવી શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને આ એક્ટ બનાવવામાં આવે. ઘણાં નિયમો સૂચત ખરડામાં એવા છે જે એનાથી અલગ તરી આવે છે. શિક્ષણ જગત સાથે આ ખરડા અંગે એકવખત ચર્ચા થાય એ બેહદ જરૂરી છે. 11 મુદ્દાઓ જે એબીવીપી દ્વારા રજૂ થયા હતા એ ધ્યાન પર જ લેવાતાં એબીવીપીમાં સખત નારાજગી પ્રવર્તી રહી છે. અન્ય વિદ્યાર્થી સંગઠનો અને શિક્ષણ શાસ્ત્રીઓ પણ અનેક કક્ષાએ એક્ટ બાબતે અસંતુષ્ટ છે જેઓ લડત માટે સમય અને તકની રાહ જોઈ રહ્યા છે.
એ તમામ છૂપા રોષ વચ્ચે વાત વડોદરા એમએસ યુનિવર્સિટીની કરવામાં આવે તો, અહીં ભાજપના ધારાસભ્યોએ વડોદરાના શૈક્ષણિક હિતમાં યુનિવર્સિટી કોમન બિલ લાગુ કરવાનો વિરોધ કરવો જોઈએ એવી લાગણી સાથે વડોદરાના અડધો ડઝન જેટલા વિદ્યાર્થી સંગઠનોએ સામુહિક વિરોધના ભાગરુપે આક્રોશ ઠાલવતો એક પત્ર લખીને ધારાસભ્યોને પોસ્ટ મારફતે બંગડીઓ મોકલી છે. તેમણે પત્રમાં જણાવ્યા અનુસાર, વડોદરાના 9 ધારાસભ્યોએ કોમન યુનવિર્સિટી બિલમાંથી એમ.એસ.યુનિવર્સિટીને બાકાત રખાવવા પ્રયત્ન કરી વિદ્યાર્થી હિતોનો સાથ આપવો જોઈએ.