ભારત માતાને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવા પ્રાણોની આહુતિ આપનાર સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની પૂણ્યતિથિએ આજે ૨૩મી માર્ચે દેશમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની બ્લડ બેન્ક તથા ડાયમંડ કંપનીઓએ મહારક્તદાન કેમ્પનું આયોજન કરીને ૩૫૦ યુનિટ રકત એકત્ર કરીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ તમામ યુનિટ રક્ત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં એનાયત કરાયું હતું.
સુરત શહેરના વરાછા વિસ્તારની માતાવાડી સ્થિત નિલ માધવ ઈમ્પેક્સ ખાતે સવારથી જ રત્નલાકારોએ રકત આપવા લાઇનો લગાવી હતી. સ્મીમેર હોસ્પિટલમાં રક્તની માંગને પહોંચી વળવા સુરતના ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલી નિલમાધવ ઈમ્પેક્સ ઉપરાંત ઓમકાર ઈમ્પેક્સ, સહયોગ ડાયમંડ, ગોરસિયા બ્રધર્સ, એચ.એચ.ડી.જેમ્સ, એ.એસ. કુમાર જેમ્સ, ડી.પી.ઈન્સ્યોરન્સ, લિટલ સ્ટાર હોસ્પિટલના સંયુક્ત પ્રયાસથી દેશના વીરોને શ્રદ્ધાંજલિ આર્પણ કરવા બ્લડ કેમ્પનું આયોજન કરી ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
દેશ ભક્તિના સંગીતમય માહોલ વચ્ચે જુદી જુદી ડાયમંડ કંપનીના રત્નકલાકારો ઉપરાંત સેવાભાવી વ્યક્તિઓ પણ ઉમળકાભેર રક્તદાન કરવા આવ્યા હતા. શહિદોને શ્રદ્ધાજંલિ પાઠવવા રિટાયર્ડ આર્મી ઓફિસર્સ અને સુરત જિલ્લા માજી સૈનિક સેવા મંડળના ઓફિસર્સ સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓએ હાજરી આપી હતી.
સ્મીમેર હોસ્પિટલના બ્લડ બેંકના હેડ અંકિતા શાહના માર્ગદર્શન હેઠળ નર્સિગ સ્ટાફગણે ૩૫૦ યુનિટ રક્ત એકત્ર કરીને સ્મિમેર હોસ્પિટલને અર્પણ કર્યું હતું