પાટણ શહેરમાં 16મીની રાત્રી ભક્તિની એક અલગ જ અનુભૂતિ કરાવતી સાબિત થઈ. પ્રસંગ હતો રોટલીયા હનુમાનની સાલગિરાનો. આ શુભઅવસરે ગુજરાતના ખ્યાતિપ્રાપ્ત લોકકલાકાર કિર્તીદાન ગઢવીના લોકડાયરાનું આયોજન થયું હતું. આ લોકડાયરો અલગ એટલા માટે હતો કે તેમાં રૂપિયાનો વરસાદ તો જોવા મળ્યો જ પરંતુ સાથોસાથ જીવદયા પ્રેમીઓ આયોજકની ટહેલને પગલે ઊમટી પડ્યા અને અબોલાં પશુ-પક્ષીઓનાં સન્માનમાં જીવદયા સાથે લોકોએ ઉત્સાહભેર રોટલીનો ખડકલો કર્યો. હકીકતમાં લોક ડાયરામાં એક વ્યક્તિ એક રોટલો કે 10 રોટલી સાથે લઇ આવનારને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.
લોકડાયરાના યુવા આયોજક સ્નેહલ પટેલે ગુજરાત બ્રેકિંગ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, આ લોકડાયરો યોજવા પાછળનો અમારો મુખ્ય હેતુ મૂંગા પશુ-પક્ષીઓને અન્ન પૂરું પાડવાનો હતો. ડાયરામાં લોકોએ ખુબ જ ઉત્સાહ દર્શાવ્યો અને માનવીય અભિગમને વધાવી લેતાં મોટી સંખ્યામાં લોકોએ રોટલા, રોટલીઓ લઇ ઉમટી પડ્યા. લોકોએ અમને ખુબ આશીર્વાદ અને અભિનંદન પાઠવી અમારા કાર્યને પ્રોત્સાહનબળ આપ્યું છે.
સ્નેહલ પટેલ કહે છે, આ લોકડાયરામાં જીવદયાપ્રેમીઓ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમનો પ્રેમ દર્શાવશે તેનો અમને પણ અંદાજ ન હતો અને થોડાક જ સમયમાં સ્ટેજ ઉપર રોટલા અને રોટલીના ઢગ થઇ ગયા હતા. ધરતી પર આ ભાવના જીવંત છે ત્યાં સુધી સૌ પર ભગવાનની કૃપા વરસતી જ રહેશે એમાં કોઈ શક નથી.
તમને જણાવી દઈએ કે, પાટણ શહેરમાં રોટલીયા હનુમાન એક એવું મંદિર સ્થાપિત કરવામાં આવ્યું છે જ્યાં પ્રસાદી સ્વરૂપે માત્ર રોટલા, રોટલી જ ચઢાવવામાં આવે છે. આ પ્રકારની અનોખી શ્રદ્ધા ધરાવતું એ વિશ્વનું કદાચ એકમાત્ર મંદિર છે. રોટલીયા હનુમાન મંદિરને એક વર્ષ પૂર્ણ થતા વિખ્યાત કલાકાર કિર્તીદાન ગઢવીના લોકડાયરાનું આયોજન થયું હતું.
કીર્તિદાન ગઢવીનો ડાયરો હોય એટલે અનોખો માહોલમાં રમઝટ તો જામે જ એ સ્વભાવિક છે. તેમના ગીતો પર લોકોએ રૂપિયા વરસાવવાના શરૂ કર્યા હતા અને સાથોસાથ ટહેલ અનુસાર રોટલા અને રોટલીના ઢગલા પણ ઝડપભેર થવા લાગ્યા હતા. કીર્તિ દાન ગઢવીએ જણાવ્યું હતું કે, ગુજરાતની એ હંમેશા ભવ્ય પરંપરા રહી છે કે જીવદયા માટે લોકો આંખ બંધ કરીને દાનની સરવાણી કરે છે. પાટણના રોટલીયા હનુમાન મંદિરમાં ચડાવારૂપે રોટલા કે રોટલી ચઢાવવામાં આવે છે જેનો જીવદયામાં ઉપયોગ કરવામાં આવે છે. લોકોને અપાર શ્રદ્ધા છે કે એમ કરવાથી તેમના ઘરે ક્યારેય ધન-ધાન્ય નહીં ખૂટશે. શ્રદ્ધાળુંઓને હું અપીલ કરું છું કે જ્યારે પણ રોટલીયા હનુમાન મંદિર જાવ તો રોટલો કે રોટલી લઇને જજો.