યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધાર ડેટાને સુરક્ષિત કરવા માટે ‘બગ બાઉન્ટી પ્રોગ્રામ’ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે દેશભરમાંથી 20 ટોપ હેકર્સને બોલાવીને સુરક્ષા વ્યવસ્થામાં રહેલી ખામીઓ શોધવામાં આવશે. આ માટે UIDAI દ્વારા એક પરિપત્ર પણ જારી કરવામાં આવ્યો છે. જો કે સરકારે તેમાં જોડાવા માટે ઘણી શરતો પણ મૂકી છે.
આ પ્રોગ્રામ હેઠળ 20 હેકર્સ અથવા જૂથોને UIDAIની સેન્ટ્રલ આઇડેન્ટિટી ડેટા રિપોઝીટરી (CIDR)માં નોંધાયેલા ભારતીયોના ડેટાનો અભ્યાસ કરવાની તક મળશે. પરિપત્ર મુજબ, આ કાર્યક્રમમાં ભાગ લેનાર કોઈપણ વ્યક્તિ અથવા જૂથ કોઈપણ સંસ્થા સાથે સંકળાયેલ હોવો જોઈએ નહીં. એક શરત એ પણ છે કે જો ઉમેદવાર છેલ્લા 7 વર્ષમાં UIDAI અથવા કોઈપણ ટેક્નોલોજી સપોર્ટ અને ઓડિટ સંસ્થામાં ભૂતપૂર્વ કર્મચારી છે, તો તે આ કાર્યક્રમમાં હાજરી આપી શકશે નહીં.
હેકરઓન, બગક્રોડ જેવા 100 ટોચના લીડર બોર્ડમાં ઉમેદવારનો સમાવેશ કરવો આવશ્યક છે. આ સિવાય માઈક્રોસોફ્ટ, ગૂગલ, ફેસબુક, એપલ જેવી કંપનીઓ દ્વારા આયોજિત બક્ષિસ પ્રોગ્રામ અથવા બગ બાઉન્ટી ગ્રૂપમાં સક્રિય રહેવું જરૂરી છે. આ સાથે, એ પણ જરૂરી છે કે છેલ્લા એક વર્ષમાં હેકર દ્વારા બગ્સ જમા કરવામાં આવ્યા હોય અથવા બાઉન્ટી મળી હોય.
પરિપત્ર મુજબ આ કાર્યક્રમમાં માત્ર 20 લોકો જ ભાગ લઈ શકશે. જો UIDAIને 20 થી વધુ અરજીઓ મળે છે, તો ટોચના 20 યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ માટે UIDAI દ્વારા એક સ્વતંત્ર સમિતિની રચના કરવામાં આવશે. તેમજ આમાં અંતિમ નિર્ણય UIDAIનો રહેશે. રજિસ્ટર્ડ ઉમેદવારો UIDAI સાથે નોન ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરશે.