પોલીસે લગભગ ત્રણ મહિનામાં 4,672 કરોડ રૂપિયાના વ્યવહારો સાથે ગેરકાયદેસર ‘ડબ્બા ટ્રેડિંગ’માં સામેલ થવા બદલ 45 વર્ષીય સ્ટોક બ્રોકરની ધરપકડ કરી છે. ‘ડબ્બા ટ્રેડિંગ’ એ શેર્સમાં ટ્રેડિંગનું ગેરકાયદેસર સ્વરૂપ છે, જ્યાં ઓપરેટરો લોકોને સ્ટોક એક્સચેન્જ પ્લેટફોર્મની બહાર ઇક્વિટીમાં વેપાર કરવાની મંજૂરી આપે છે. આ ધરપકડના પડઘાં મુંબઈ ઉપરાંત સુરત રાજકોટ અને અમદાવાદ સહિત રાજસ્થાનના કેટલાક શહેરોમાં પડે તેવો ગભરાટ વ્યાપી ગયો છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મુંબઈના ઉપનગર કાંદિવલીમાંથી ધરપકડ કરાયેલા આરોપી જતીન સુરેશભાઈ મહેતાએ સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ, કેપિટલ ગેઈન ટેક્સ, રાજ્ય સરકારની સ્ટેમ્પ ડ્યુટી ચાર્જિસ, સેબી ટર્નઓવર ચાર્જિસ અને સ્ટોક એક્સચેન્જ ટર્નઓવર રેવન્યુ જેવા વિવિધ ટેક્સ નહીં ચૂકવીને સરકાર સાથે છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસ અધિકારીનો દાવો છે કે તેણે રૂ. 1.95 કરોડથી વધુની છેતરપિંડી કરી છે. બ્રોકરે કથિત રૂપે માન્ય લાયસન્સ વિના સ્ટોક એક્સચેન્જની બહાર શેર્સમાં ટ્રેડિંગ કર્યું હતું અને 23 માર્ચથી 20 જૂન, 2023 વચ્ચે લગભગ રૂ. 4,672 કરોડનું ટર્નઓવર કર્યું હતું.
તેણે કહ્યું કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પાસે સ્ટોક બ્રોકર વિશે ચોક્કસ માહિતી હતી જે સ્ટોક એક્સચેન્જના કોઈપણ માન્ય લાઇસન્સ વિના ‘મૂડી’ નામની એપ્લિકેશનની મદદથી ‘ડબ્બા ટ્રેડિંગ’ કરી રહ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની એક ટીમે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) ના અધિકારીઓની એક ટુકડી સાથે મંગળવારે કાંદિવલી વિસ્તારમાં મહાવીર નગર ખાતે શેર બ્રોકરની ઓફિસ પર દરોડો પાડ્યો હતો, એમ તેઓએ જણાવ્યું હતું.
ઓફિસમાંથી પોલીસને 50,000 રૂપિયા રોકડા, પાંચ મોબાઈલ ફોન, એક લેપટોપ, એક ટેબ, એક કાગળનો ટુકડો અને પેન ડ્રાઈવ સહિત કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યા છે. ઘટના બાદ સંલગ્ન એવા ડબ્બા ટ્રેડર્સમાં ગભરાટ છે અને તેના પડઘાં નજીકના જ દિવસોમાં સુરત, રાજકોટ સહિત ઠેકઠેકાણે પડે તેવો ગભરાટ જોવા મળી રહ્યો છે.