ગુજરાતમાં ટુરિઝમને વેગ આપવા શરૂઆતી જે ઉત્સાહ હતો એ ફક્ત ઉત્સાહ જ સાબિત થયો હોવાનો એકરાર વિધાનસભા દ્વારેથી થયો છે. ટુરિઝમને સ્કોપ નથી એવું માનવાનું કોઈ કારણ ન હોવા છતાંય વહીવટી ક્ષતિઓ અને નિષ્ક્રિયતાને પગલે જે સફળતાની સરકારને આશાઓ હતી એ પૂરી નથી થઈ શકી. સૌથી કમનસીબ બાબત એ છે કે, સરકારી અન્ય વિભાગો કરતાં ખરાબ હાલત ગુજરાત પ્રવાસન નિગમની એ રીતે છે કે, સમગ્ર નિગમ જ હાલ આઉટસોર્સના ભરોસા પર ચલાવાઈ રહ્યું છે.
સરકાર તરફથી કરોડો રૂપિયાની ફાળવણી છતાંય વહીવટી તંત્રની ઢીલી નીતિથી પ્રવાસન વિભાગને ફટકો પડી રહ્યો છે. એ વાતનો સૌથી મોટો પૂરાવો એ છે કે, અંબાજી, શામળાજી, ડાકોર, સોમનાથ, દ્વારકા, પાલીતાણા તીર્થધામોને સ્વચ્છ રાખવા માટે રૂા. 27.75 કરોડ ચૂકવાયા છતાં સ્વચ્છતામાં સી ગ્રેડ મળ્યો. આ તીર્થધામો વિશ્વપ્રસિદ્ધ હોવા છતાંય તેની કાળજી રાખવામાં જો ગંભીરતા ન દાખવાઈ હોય તો એ વહીવટી તંત્રની નિષ્ફળતા ચોક્કસ જ અક્ષમ્ય છે.
અહીં બીજી મહત્વની વાત એ બહાર આવી છે કે, કોરોના કાળ હોવા છતાંય ગુજરાત પ્રવાસન નિગમે જાહેરાતો પાછળ રૂા. 2399.39 લાખ 2020માં અને રૂા. 2120.26 લાખ 2021માં ખર્ચ કર્યો હતો. આ ખર્ચાના વળતરનો તાળો મેળવવા જઈએ તો પણ ઘોર નિરાશા જ મળી શકે છે. જોવાલાયક સ્થળો માટે લોકો આકર્ષાય જરૂર છે પરંતુ સુખ-સગવડના અભાવે લોકો પાછા ફરે છે. રાજ્યમાં પ્રવાસન નિગમે ટુરિસ્ટોને આકર્ષવા અમાપ શક્યતા જોઈ અને એ દિશામાં પ્રયાસો જરૂર કર્યા પરંતુ નબળા વહીવટને કારણે એ સફળ ન રહ્યા.
આવું જ એક બીજું ઉદાહરણ જોઈએ તો, સુરત ઉપરાંત મહારાષ્ટ્રના ટુરિસ્ટોને પણ દેશભરના લોકો માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી જબરદસ્ત આકર્ષણનું કેન્દ્ર છે. એવામાં, રાજ્યમાં ઉડાન યોજના હેઠળ સુરતથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી વિમાની સેવા વિલંબ થયાનો સરકારનો એકરાર કમનસીબી નહીંં તો બીજું શું. પ્રવાસન યોજનાની નિષ્ફળતાના આ કારણો ગંભીરતાપૂર્વક લઈ દૂર થવા જરૂરી છે.