પહેલા ગરમી અને પછી વરસાદે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. દિલ્હી-એનસીઆર સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં ટામેટાની કિંમત 100 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગઈ છે. છૂટક બજારોમાં ટામેટાંના ભાવ મધ્યમ વર્ગની પહોંચની બહાર થઈ ગયા છે. આવી સ્થિતિમાં હવે સરકારે ટામેટાંના અનિયંત્રિત ભાવને અંકુશમાં લેવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે સસ્તા દરે ટામેટાં વેચવાનો નિર્ણય લીધો છે.
60 રૂપિયા પ્રતિ કિલો ટમેટા
નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NCCF) એ 29 જુલાઈથી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સ્ટોલ લગાવીને ઓછા ભાવે ટામેટાં વેચવાનો નિર્ણય લીધો છે. નવી દિલ્હી અને એનસીઆરના કેટલાક વિસ્તારોમાં 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાની તૈયારીઓ કરવામાં આવી છે. સરકારનું આ પગલું દિલ્હી એનસીઆર ક્ષેત્રમાં ટામેટાંની છૂટક કિંમતો ઘટાડવામાં મદદ કરશે.આ સાથે જ અન્ય રાજ્યમાં પણ સસ્તા દરે ટામેટા વહેંચવામાં આવશે.
સસ્તા ટામેટાં ક્યાંથી મળશે?
NCCFના મેનેજિંગ ડિરેક્ટરે આ અંગે જણાવ્યું કે 29 જુલાઈ, 2024થી રાષ્ટ્રીય રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં ટામેટાં 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે. દિલ્હી એનસીઆરના જે વિસ્તારોમાં ટામેટાંનું વેચાણ થશે તેમાં કૃષિ ભવન, સીજીઓ કોમ્પ્લેક્સ, લોધી કોલોની, હૌજ ખાજ હેડ ઓફિસ, સંસદ સ્ટ્રીટ, આઈએનએ માર્કેટ, મંડી હાઉસ, કૈલાશ કોલોની, આઈટીઓ, સાઉથ એક્સટેન્શન, મોતી નગર, દ્વારકા, નોઈડા સેક્ટર 14નો સમાવેશ થાય છે. અને NCCF સ્ટોલ નોઈડા સેક્ટર 76, રોહિણી અને ગુરુગ્રામમાં સ્થાપિત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ગરમી અને પછી મુશળધાર વરસાદના કારણે ટામેટાં સહિત લીલા શાકભાજીના ભાવ સાતમા આસમાને પહોંચી ગયા છે. વરસાદના કારણે વાહનવ્યવહાર ખોરવાતા ટામેટાના ભાવમાં વધારો થયો છે.
છૂટક ટમેટાના ભાવ 77 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતા
મંત્રાલયના ડેટા અનુસાર 27 જુલાઈના રોજ દિલ્હીમાં છૂટક ટમેટાના ભાવ 77 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતા. પરંતુ ગુણવત્તાના આધારે કેટલાક વિસ્તારોમાં ભાવ 90 થી 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. સરકારી આંકડાઓ પર નજર કરીએ તો જુલાઈ મહિનામાં જ ટામેટાંના ભાવમાં પ્રતિ કિલો રૂ. 37નો વધારો થયો છે. 30 જૂને દિલ્હીમાં સરકારી ટમેટાના ભાવ 40 રૂપિયા પ્રતિ કિલો હતા. જે ડુંગળીના ભાવ કરતા 10 રૂપિયા પ્રતિ કિલો ઓછા હતા. જ્યારે શનિવારે ડુંગળીના ભાવ માત્ર 50 રૂપિયા જોવા મળ્યા હતા. બીજી તરફ સમગ્ર દેશના સરેરાશ ભાવની વાત કરીએ તો ટામેટાના ભાવમાં પ્રતિ કિલો 18.20 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. 30 જૂને સરેરાશ ભાવ 50.82 રૂપિયા પ્રતિ કિલો હતો.