મંગળવારથી સુરત સહિત દેશભરમાં ગણપતિ મહોત્સવનો શુભારંભ થયો. 50 હજાર જેટલી શ્રીજી પ્રતિમાઓની ભક્તિભાવપૂર્વક સુરતમાં સ્થાપના થઈ છે. આ વખતે શહેરમાં વૈવિધ્યપૂર્ણ થિમ ગણેશોત્સવમાં લોકોને આકર્ષી રહ્યા છે. તમને જાણ હશે જ કે, આ ઉત્સવ સમાજને એક ચોક્કસ મેસેજ પહોંચાડવાના ઉદ્દેશ સાથે શરૂ થયો હતો. જોકે, તે મહાઉત્સવમાં પરિણમ્યા બાદ સમય જતાં લોકો તેમાંથી કોઈ સંદેશો આપવાનું કે લેવાનું ભૂલી ચૂક્યા છે. મોટેભાગે તેમાં આધૂનિક્તા ઉમેરાતાં સમાજને કોઈ દિશા-સૂચનો મળે એવી ભાવના વિસરાઈ રહી છે. જોકે, સુરત સાયબર સેલ દ્વારા એક સકારાત્મક ઈનોવેશન લાવીને સૌને અચંબામાં મૂકી દીધા છે.
ગુજરાતમાં સૌપ્રથમ વખત બોલતાં ગણેશજી રજૂ કરવામાં આવ્યા છે જે સુરતમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. સવાલ એ છે કે આ ગણપતિ શું બોલી રહ્યા છે. એ માટે તમારે રૂબરું જવું પડશે. અમે તમને કેટલીક ઝલક સાથે એટલું જરૂર કહીશું કે, તમે શ્રીજી વાત સાંભળશો તો ચોક્કસ જ ફાયદામાં રહેશો. તમારા ચોક્કસ પ્રકારના વિઘ્ન દૂર કરવામાં એ સહાયતારૂપ છે.
સુરતમાં ગણશેજીના વિવિધ મંડળો દ્વારા અલગ અલગ થિમ પર મંડપોને સજાવવામાં આવ્યા છે. લોકોની ભીડ પ્રથમ દિવસથી જામી રહી છે.એ આકર્ષણો વચ્ચે નવાઈ લાગશે તમને પણ સુરત શહેર પોલીસ દ્વારા સ્થાપિત વિઘ્નહર્તા સૌથી લોકપ્રિય અને સૌથી અનોખા સાબિત થઈ રહ્યા છે. સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનની સાથે વિવિધ બ્રાન્ચોમાં પણ ગણેશજીની પ્રતિમાનું સ્થાપન અને પૂજન થઈ રહ્યું છે અને શહેરના વિઘ્નોને સુપેરે પાર પાડવા એ શ્રદ્ધા જરૂરી પણ છે ત્યારે ગણેશજીની પ્રતિમાની સ્થાપના સુરત સાયબર સેલ દ્વારા પણ કરવામાં આવી છે.
સુરત સાયબર સેલનો થિમ સમાજને આજના સમયમાં સૌથી અગત્યનો સંદેશો પૂરો પાડી રહ્યો છે. સ્થાપનાના પ્રથમ દિવસે જ શહેર પોલીસના આ બોલતા ગણેશ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સુરત શહેર પોલીસ કમિશનરે સ્થાપનાના પ્રથમ દિવસે આ ગણેશ પંડાળમાં ઉપસ્થિત રહીને સાંજે ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરવા સાથે ગુજરાતની આર્થિક પાટનગરીને આર્થિક ગુનાખોરીથી પણ દૂર રાખવાના તેમના પોતાના કર્તવ્ય સાથે આશીર્વાદ માંગતા આરતી કરી હતી. અહીં આવતા લોકોને તેમણે સાયબર ક્રાઇમના અવરનેસ વિશે પણ જાગૃત રહેવા સલાહસૂચનો આપ્યા હતા.
તમને જણાવી દઈએ કે, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના બાજુમાં જ આ મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. મંડપમાં એન્ટ્રી ગેટથી પ્રવેશ કરો કે, તરત આકર્ષક રીતે તૈયાર થયેલા પ્લેકાર્ડથી સાયબર ક્રાઇમને લગતી સંખ્યાબંધ અને ઉપયોગી માહિતીઓ મળી જાય છે. લોકજાગૃતિ માટે અત્યાર સુધીમાં જે પણ ક્રાઇમ નોંધાયા છે તે તમામ ગુનાઓની માહિતી આપવામાં આવી છે.
આજનો યુગ ટેકનોલોજીનો છે અને આ તો તેની શરૂઆત માત્ર છે. જીવન જેમ આગળ વધશે તેમ વધુ ને વધુ ટેકનોલોજી આપણાં જીવનમાં ઉમેરાતી રહેવાની છે ત્યારે આ બાબતે આપણું સભાન રહેવું એ ફરજિયાત છે. ગાફેલ રહ્યા તો એ લોકો ટેકનોલોજીના યુગમાં ઓનલાઈન ફ્રોડનો શિકાર બને છે. લોકો ઓનલાઇન ફ્રોડનો શિકાર ન બને તે માટે અહીં સાઇબર અવરનેસની અમૂલ્ય ટીપ્સ આપવામાં આવે છે.
સુરત શહેર સાયબર ક્રાઇમ દ્વારા આ વખતે બોલતા ગણેશનું સ્થાપન કરવામાં આવ્યું છે. જે સૌને ખૂબ જ ગમી રહ્યું છે. લોકો હોંશેહોશે પધારીને દર્શન સાથે બુદ્ધિના દેવતા પાસે જ્ઞાનની વાતો જાણી રહ્યા છે. ગણેશજીની આ વખતે સુરતીઓને સાયબર ક્રાઇમ અંગે અવેર કરે છે. સુરત શહેર સાયબર ક્રાઇમ દ્વારા પંડાળમાં એક પ્રદર્શન પણ લગાવવામાં આવ્યું છે. ગણેશજીના વાહન મૂષકના ચિત્રો પર સાયબરને લગતા સ્લોગન લખવામાં આવ્યા છે. ગણેશજીના મંડપમાં બંને તરફ સાયબર ક્રાઈમથી બચવા માટે શું કરવું અને શું ન કરવું તે માટેની માહિતી પણ આપવામાં આવી છે. એક વખત દર્શન જરૂર કરજો ફાયદામાં રહેશો એ ચોક્કસ છે.