રાજકોટના ગેમઝોન કાંડ બાદ આરટીઓ દ્વારા વાહન વ્યવહાર કમિશનર તરફથી અગાઉ બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો આગામી શૈક્ષણિક સત્રથી કડક અમલ શરુ કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. સ્કૂલોમાં બાળકોને લાવવા-લઇ જવા પરિવહનમાં માર્ગ સલામતિ સુનિશ્ર્ચિત કરવામાં આવી છે પરંતુ તેનું પાલન ભાગ્યે જ કોઇ શાળા સંચાલકો કરતા હોય તેવા આક્ષેપો થઇ રહ્યા છે.ત્યારે શાળા ટ્રાન્સપોર્ટેશનમાં ઉપયોગમાં લેવાતા વાહનો માટે કેટલીક બાબતો નિર્ધારિત કરવામાં આવી છે. જેમાં વાહનની બેઠક ક્ષમતા કરતા બમણા વિદ્યાર્થીઓ બેસાડવા માટે વિદ્યાર્થીઓની ઉંમર 12 વર્ષ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત આગની ઘટના બને નહીં તે માટે અગ્નિશામક સાધનો રાખવા ફરજિયાત કરાયા છે.
સામાન્ય રીતે ખાનગી વાનમાં ડ્રાયવર સહિત 6 વ્યક્તિઓને બેસાડવાની મંજૂરી (પાસિંગ) અપાય છે જેને ધ્યાનમાં રાખી સ્કૂલ વાનમાં 12 વર્ષ સુધીના 12 બાળકોને બેસાડવાની મંજૂરી આપવામાં આવી છે. બેઠક ક્ષમતા કરતા બાળકોને બમણી સંખ્યામાં બેસાડવાની છૂટ છે પરંતુ 12 બાળકોથી વધારે બેસાડવામાં આવે તો વાહન ડિટેઇન કરાશે. આવી જ રીતે સ્કૂલ રિક્ષામાં ડ્રાયવર સહિત ત્રણ મુસાફરોને બેસાડવામાં આવે છે એટલે બેઠક ક્ષમતા કરતા ડબલની ગણતરી કરવામાં આવે તો છ બાળકોથી વધારે સ્કૂલ રિક્ષામાં બેસાડી ન શકાય. આવા કિસ્સામાં કાયદાનું ઉલ્લંઘન થતું હોય તો પરમીટ ભંગ તેમજ એક્સેસ પેસેન્જર માટે નિયમ અનુસાર ગુનો નોંધવામાં આવશે.
તો બીજી તરફ રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા સ્ફુલવાન, રિક્ષા કે બસમાં બાળકોને શાળા લઇ જતી વખતે કેવા કેવા પ્રકારની સલામતીની તકેદારી રાખવી તેની જાણકારી શાળાના આચાર્યોને આપવા માટે તમામ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આદેશ કરવામાં આવ્યો છે. તેમાં સ્કૂલ વર્ધીમાં વપરાતી ઓટો રીક્ષા કે વાનમાં બેઠકની ક્ષમતા કરતા બમણા વિદ્યાર્થીઓ બેસડવા માટે 12 વર્ષની વય મર્યાદા નક્કી કરી છે.
સ્કૂલવાન, ઓટો રીક્ષા કે સ્કૂલ બસમાં નિયત કરેલ નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવાની રાજ્યના ટ્રાન્સપોર્ટેશન વિભાગ દ્વારા સૂચના જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીને આપવામાં આવી છે.