કામરેજના પાસોદરા ખાતે સમાજમાં એક જબરદસ્ત પરિવર્તનનો જુવાળ ફૂંકાયો છે. ૩૨ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતીમાં SPG ગ્રુપ દ્વારા ચિંતન શિબિરમાં કમર કસી અને મુદ્દો હતો માતા-પિતાને જણાવ્યા વગર લગ્ન કરતી દીકરીઓને વાળવાનો. સુરતમાં યોજાયેલી આ ચિંતન શિબિરમાં રાજપૂત સમાજ, આહીર સમાજ, પાટીદાર સમાજ, પ્રજાપતિ સમાજ, આદિવાસી સમાજ સહિત વિવિધ સમાજના અગ્રણીઓનો એકમત હતો કે, દીકરી લગ્ન કરે તેનો વાંધો નથી પરંતુ દીકરી માતા પિતાને જણાવ્યા વિના લગ્ન કરે છે તેનો વાંધો છે. માતા-પિતાની મંજૂરી તેમની લાગણીની કિંમત તો આ દિકરીઓએ સમજવી જ પડશે જેમના કારણે દિકરીઓ નિર્ણય લેવા સક્ષમ બની છે.
SPGગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલના વડપણ હેઠળ SPG ગ્રુપ દ્વારા આયોજિત ચિંતન શિબિરમાં ગેરરીતિથી થતાં પ્રેમ લગ્ન અટકાવવા સર્વે સમાજના અગ્રણીઓને ગેરરીતિથી કરવામાં આવતા પ્રેમ લગ્નને અટકાવવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. SPGએ પ્રેમલગ્ન અંગે કેટલાક મુદ્દાઓ સરકાર સમક્ષ રજૂ કર્યા છે. આ મુદ્દાઓમાં મુખ્યત્વે તો પ્રેમ લગ્નમાં માતા પિતાની ફરજિયાત સહી માટે માંગણી કરી છે.
સરકારના કાયદામાં લગ્નના જે મુદ્દાઓ ઉમેરવા માંગ કરી છે તે ન સંતોષાય તો SPGગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે માંગ નહી સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ ચિંતન શિબિરમાં રાજપૂત સમાજ, આહીર સમાજ, પાટીદાર સમાજ, પ્રજાપતિ સમાજ, આદિવાસી સમાજ સહિત વિવિધ ૩૨ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
સરદાર પટેલ સેવા દળ, એસ.પી.જી ગ્રુપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે થોડા મહિના અગાઉ લવ મેરેજ એક્ટમાં સુધારા કરવામાં આવે તેવી રજૂઆત થઈ હતી જેને સમય સાથે વ્યાપક સમર્થન સાંપડી રહ્યું છે. ખાસ કરીને વિધર્મીઓ દ્વારા હિન્દુ યુવતીને લવ જેહાદમાં ફસાવી તેના જીવનમાં રમત રમાઈ રહી હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. SPG ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ, કરણી સેનાના રાજ શેખાવત સહિત ૩૨ જેટલા વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ચિંતન બેઠકમાં એમ પણ નક્કી થયું હતું કે, પ્રેમ લગ્નમાં જેતે ગામમાં સ્થળેજ લગ્ન નોંધણી, લગ્ન નોંધણીમાં જેતે પોલીસનું વેરિફિકેશન, તલાટીથી લઈ મામલતદાર સુધીના ડોકયુમેન્ટ વેરિફિકેશન તેમજ ખાસ પ્રેમ લગ્નમાં માતા પિતાની ફરજિયાત સહી માટે માંગણી કરવામાં આવી છે.
એસપીજીના પ્રમુખ લાલજી પટેલે જણાવ્યું કે, અમે પ્રેમલગ્નના વિરોધી નથી પણ અમે દીકરી ખોટી વ્યક્તિને પસંદ કરે એના વિરોધી છીએ. 4130 જેટલા ખોટા લગ્નો થયા છે. જેના કારણે દરેક સમાજ ચિંતિંત છે. આ બાબતોના યોગ્ય નિરાકરણ માટે સર્વે સમાજની એક કમિટી બનાવવામાં આવશે. મુખ્યમંત્રી અને કાયદામંત્રીને અમે મળીને રજૂઆત થશે અને જો નિર્ણય ન આવે તો કમિટી નક્કી કરી આંદોલન સુધીની તૈયારીઓ પણ છે. સમાજ માટે ગંભીર પ્રશ્ને 182 ધારાસભ્યો તેમજ 26 સાંસદોને પણ મળી તેમનું સમર્થન લેવાશે. માતાપિતાનો આ અવાજ ગાંધીનગરથી રજૂઆત દિલ્હી સુધી પહોંચાડવામાં આવશે.