ધર્મ, જાતિ અથવા વૈવાહિક દરજ્જો જેવી કોઈની સાચી ઓળખ છુપાવીને યુવતી સાથે લગ્ન કરવા અથવા સ્ત્રી સાથે સંબંધ બાંધવો હવે ભારતીય ન્યાયિક સંહિતા હેઠળ ગુનો ગણાશે. આ છેતરપિંડી રોકવા કેન્દ્રની મોદી સરકાર નવો કાયદો લાવવા જઈ રહી છે. પ્રસ્તાવિત બિલમાં એવી જોગવાઈ છે કે ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 69 મુજબ આમ કરવું એ છેતરપિંડી ગણવામાં આવશે. આવા કિસ્સાઓમાં 10 વર્ષ સુધીની સજા થઈ શકે તે પ્રકારની જોગવાઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કાયદાકીય બાબતોની સંસદીય પેનલે આ સંદર્ભમાં એક રિપોર્ટ તૈયાર કર્યો છે.
સરકાર તેને બિલના રૂપમાં લાવશે. આ મુજબ, જો કોઈ વ્યક્તિ લગ્ન કરવા માટે તેની ઓળખ છુપાવે છે અથવા સંબંધ સ્થાપિત કરવા માટે આવું કરે છે, તો તેને બળાત્કાર ગણવામાં આવશે નહીં, પરંતુ છેતરપિંડી માનવામાં આવશે. આવા મામલામાં 10 વર્ષ સુધીની જેલની સજાનો નિયમ બનાવવાની તૈયારી છે. આ કલમમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નોકરી, પ્રમોશન કે લગ્નનું વચન આપતી વખતે પોતાની ઓળખ છુપાવીને કોઈની સાથે લગ્ન કરવું એ છેતરપિંડી ગણાશે. નોંધનીય છે કે પોલીસ આવા કેસમાં કેવી રીતે કાર્યવાહી કરવી તે અંગે મૂંઝવણમાં હતી. હવે આ અંગે કાયદો બનાવીને સ્પષ્ટતા થશે કે આવા કેસમાં કેવી કાર્યવાહી કરવી જોઈએ.