રાજકોટ TRP આગ દુર્ઘટના મામલે ગુજરાત સરકારે સહાયની જાહેરાત કરી છે. ટીઆરપી આગકાંડ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું છે અને સહાયની જાહેરાત કરી છે. ગેમઝોન દુર્ઘટના મામલે પોલીસ એક્શન મોડમાં આવી ગયું. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 10 લોકોની અટકાયત કરી છે. જેમાં રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા 5 લોકોની અટકાયત કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, રાજકોટના નાના માવા રોડ પર આવેલ TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી ફાટી નીકળી જેમાં અત્યાર સુધીમાં 32 લોકોના મોત થયા છે. આગમાં મોટાભાગના બાળકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. આગ એટલી ભીષણ હતી કે ધુમાડાના ગોટેગોટા 2 થી 3 કિલોમીટર દૂરથી જોવા મળી રહ્યા હતા. આગ એટલી ભીષણ હતી કે ગેમઝોનનું આખે આખું સ્ટ્રક્ચર તૂટી ગયું હતું.
અગ્નિકાંડની વાત વાયુવેગે ફેલાઇ ગઇ હતી અને 28 લોકોના મૃત્યુની વાત જાહેર થતાં શહેરીજનો પોસ્ટમોર્ટમ રૂમે ઊમટ્યાં હતા. રાત્રીના 11 વાગ્યાના અરસામાં તો 2 હજારથી વધુ લોકો એકઠા થઇ ગયા હતા. સળગેલા મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમની બહાર સ્ટ્રેચર પર રાખવામાં આવ્યા હતા. જે લાપતા લોકોની શોધમાં તેના પરિવારજનો આવતા હતા તેમના નામની યાદી તૈયાર કરવામાં આવતી હતી.
લોકો સળગેલા મૃતદેહ સુધી પહોંચે નહીં તે માટે પોલીસે બેરિકેડ રાખી દીધા હતા અને લોકોને અટકાવવાના પ્રયાસ થયા હતા. એક તબક્કે તો હોસ્પિટલના ગેટ બંધ કરવા પડ્યા હતા. ગેમ ઝોનમાં ગયેલા વ્યક્તિ લાપતા થયા બાદ તેના સ્વજનો પોસ્ટમોર્ટમ રૂમે આવતા હતા ત્યારે તેઓની હાલત દયનીય બનતી હતી. પોસ્ટમોર્ટમ રૂમે પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.