કેન્દ્ર સરકાર પ્લાસ્ટિકના ઉપયોગને ઓછામાં ઓછો કરવા મક્કમ છે અને કોઈપણ રીતે તે માટેના પ્રયાસો વધારી રહી છે. અગાઉ 75 માઇક્રોનથી પાતળા પ્લાસ્ટીક બેગ્સ પર પ્રતિબંધનો કડક અમલ કરાયા બાદ હવે 120 માઇક્રોન સુધીના તમામ પ્લાસ્ટીકના ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ થવા જઈ રહ્યો છે. સુરત મનપાએ નવા વર્ષથી એટલે કે, 1 જાન્યુઆરીથી કડક અમલ શરૂ કરાવવા કમર કસી ચૂકી છે. વેપારી કે વિક્રેતા સુધી પ્લાસ્ટીક પહોંચે જ નહીં તે માટે સુરત પાલિકાએ એક્શન પ્લાન ઘડી લીધો છે.
સ્માર્ટ સિટી સુરતમાં શહેરમાં મોટા ભાગના પ્લાસ્ટીક અને તેના ઉત્પાદન ઉપર પ્રતિબંધ અમલમાં છે. પરંતુ ચૂપકે ચૂપકે હજી ગ્રાહકોને પ્લાસ્ટિક બેગમાં સામાન અપાઈ રહ્યો છે અને એવી બેગ્સ દુકાનદારો સુધી પહોચી પણ રહી છે. છતાં છુટક બજારોમાં કયાંક કયાંક આવા ઝબલા વેંચાતા હોય છે. સુરત પાલિકા રોજ આવા સ્થાનો પર દરોડા પાડી તેમની પાસે શિક્ષાત્મક દંડ વસૂલાત કરતાં ફોટો સોશિયલ મીડિયા પર શેયર કરે છે. જોકે આ પ્રયાસો એટલા ધારદાર પૂરવાર નથી થઈ રહ્યા. ત્યારે દરેક ઝોન જ નહીં વોર્ડ દીઠ જવાબદારી નક્કી કરી સેનેટરી ઈન્સ્પેક્ટર્સને તાકીદ કરવામાં આવશે કે તેમના વિસ્તારમાં એક પ્લાસ્ટિક પણ દેખાવવું ન જોઈએ.
તા.1 જાન્યુઆરી નવા વર્ષથી કેન્દ્ર સરકાર 120 માઇક્રોનથી હેઠળના પ્લાસ્ટીકના ઉપયોગ પર પ્રતિબંધ મુકવા જઇ રહી છે. અગાઉ ધંધાદારી યુનિટોને આ માટે તાકીદ કરી દેવામાં આવી હતી. સુરતમાં રાજય સરકારની સૂચનાથી પાલિકા તંત્રએ કમર કસી લીધી છે અને મનપાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા પ્લાસ્ટીકની થેલીઓ, કેરીબેગ સહિતના પ્લાસ્ટીક જપ્ત કરવા મેગા ડ્રાઇવ શરૂ કરવા તૈયાર છે. ચમચી, ગ્લાસ, ડીશ, ચાના કપ, સ્ટ્રો સહિતની વસ્તુઓ શહેરના ઉપયોગમાંથી સદંતર ગાયબ થઈ જાય એ પ્રકારનું આયોજન સુરત મનપા ગોઠવવામાં હાલ વ્યસ્ત છે.
સેન્ટ્રલ ઝોનના એક અધિકારીએ આયોજન અંગે જણાવ્યા મુજબ, પાલિકા અસરદાર કામગીરી માટે વોર્ડવાઇઝ ટીમો બનાવી રહી છે. દરેક વોર્ડના સેનેટરી ઇન્સ્પેકટરને આ અંગે જરૂરી સૂચના પણ અપાઈ ચૂકી છે. સમગ્ર અભિયાન બાબતે ટુંક સમયમાં પાલિકા કમિશ્નર મિટિંગ પણ ગોઠવી રહ્યા છે. સુરતમાં સૌથી વધારે ન્યૂસન્સ પાન-માવાના પ્લાસ્ટીકનું છે, જેને બંધ કરાવવા ખાસ ધ્યાન આપવામાં આવશે. સુરતમાં આમ જોઈએ તો પ્લાસ્ટિક સામેની ડ્રાઈવ નિયમિત ચાલે છે પરંતુ એ એક ટાર્ગેટ પુરો કરવા પૂરતી હોય એ પ્રકારની જોવા મળતી હતી ત્યારે હવે ઝીરો પ્લાસ્ટિક માટે કડક ઝૂંબેશ શરૂ થવાની છે.