રાજ્યમાં નોટરી પરીક્ષાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. ગુજરાતમાં 1660 જગ્યાઓની ભરતી છે. તા. 16 મી મેથી આ ભરતી માટે ઇન્ટરવ્યુની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના જણાવ્યા અનુસાર, 16 મી મેથી ગુજરાતમાં નોટરીની 1660 જગ્યાઓ ભરવા માટેની ઇન્ટરવ્યુ પ્રક્રિયા શરૂ થશે. ગાંધીનગરમાં આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં ગાંધીનગર ખાતે નર્મદા, ડાંગ, તાપી, બોટાદ, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને છોટાઉદેપુર એમ આઠ જિલ્લાના ધારાશાસ્ત્રી ઉમેદવારોના ઇન્ટરવ્યુ ૧૬ મી મેએ યોજાશે. અન્ય જિલ્લાના ઉમેદવારને તબક્કાવાર ગાંધીનગર બોલાવાશે.
કાયદા મંત્રી ત્રિવેદીએ વધુમાં જણાવ્યા મુજબ, ઇન્ટરવ્યુની પ્રક્રિયા ઝડપી, સરળ અને ન્યાયિક થાય તે માટે ત્રણ બોર્ડની રચના કરવામાં આવી છે. નોટરીની 1660 જગ્યાઓ માટે 10,427 જેટલા ધારાશાસ્ત્રી ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે લાયક ગણવામાં આવ્યા છે.