ચોમાસાની હજી તો શરૂઆત છે ત્યાં તો ફળો અને શાકભાજીના ભાવ એટલા વધી ગયા છે કે લોકોને રોજ ખાવામાં વિકલ્પો શોધવા પડે છે. હાલ બજારોમાં લગભગ મોટાભાગના શાકભાજી બમણા ભાવે મળે છે. જો ટામેટાંની વાત કરીએ તો દરેક શાકભાજીમાં વપરાતા ટામેટાં 100 થી હવે 150 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી ગયા છે. દેશભરમાં ટામેટાંના ભાવમાં થયેલા વધારાની અસર એ છે કે ખેતરોમાંથી પણ તેની ચોરી થવા લાગી છે અને પોલીસ ફરિયાદ પણ પહોંચવા લાગી છે.
કર્ણાટકના હાસન જિલ્લામાંથી બહાર આવેલી ઘટના અનુસાર, એક ખેડૂતના ખેતરમાંથી અઢી લાખના ટામેટાંની ચોરી થઈ છે. ખેડૂતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેણે જણાવ્યા અનુસાર, હસન જિલ્લાના હલેબીડુ તાલુકાના ગોની સોમન હલ્લી ગામના ખેડૂત સોમશેખર છેલ્લા ત્રણ વર્ષથી પોતાના ખેતરમાં ટામેટાંની ખેતી કરી રહ્યા છે. જો કે દર વખતે હવામાનના કારણે તેમની ખેતી બગડી જતી હતી. આ વખતે તેની ટામેટાની ખેતી ખૂબ સારી હતી, પરંતુ જ્યારે તેનો પુત્ર બુધવારે સાંજે ખેતરમાં ગયો ત્યારે તેણે જોયું કે લગભગ તમામ ટામેટાં ખેતરમાંથી ચોરાઈ ગયા હતા અને બાકીનો પાક ચોરોએ બગાડી નાખ્યો હતો.
ખેડૂતનું એમ પણ કહેવું છે કે ચોર 50-60 થેલીઓ લઈને તેના ખેતરમાં પહોંચ્યા અને લગભગ અઢી લાખના ટામેટાં લઈને ગાયબ થઈ ગયા. તેઓએ બાકીનો પાક બગાડ્યો છે. આવી સ્થિતિમાં હવે તેમની પાસે કોઈ ઉત્પાદન બચ્યું નથી. ખેડૂતની ફરિયાદના આધારે, પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.
ચોમાસાની શરૂઆત સાથે જ દેશભરમાં સતત વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે. બજારમાં પાક ઓછો પહોંચે છે, આવી સ્થિતિમાં માંગ વધુ અને પુરવઠો ઓછો હોવાથી ભાવ વધી રહ્યા છે. હાલમાં બજારોમાં ટામેટાનો ભાવ 150 રૂપિયા પ્રતિ કિલોને આંબી રહ્યો છે તો બીજી તરફ જીરૂ અને આદુ પણ મોંઘા થઈ રહ્યા છે.