આજથી બે દિવસ બ્રિટીશ વડાપ્રધાન બોરિસ જોન્સન ભારતના મહેમાન છે. બોરિસ જોન્સન ગુજરાતના માર્ગે ભારત આવ્યા છે. ગુજરાતે આ બ્રિટીશ વડાપ્રધાનનું શાનદાર અને ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. બોરીસ જૉનસનના અમદાવાદ એરપોર્ટ આગમન વખતે ગુજરાતની ભવ્યતાને ઉજાગર કરતાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ ઝાંખી રજૂ થયા હતા.
એરપોર્ટ પર મહાનુભવોના સ્વાગત બાદ બોરિસ જોન્સન આશ્રમ રોડ સ્થિત હોટલ હયાત રિજન્સી ગયા હતા. આ બાદ તેઓ ગાંધી આશ્રમની પણ મુલાકાતે પહોંચ્યા હતા. આ પહેલા બ્રિટિશ PMનો એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી લગભગ 20 મિનિટ જેવો રોડ શો યોજાયો હતો. યુકેના PMનું અભિવાદન કરવા સુભાષબ્રિજ કલેકટર ઓફિસ પાસે અને સમગ્ર માર્ગ પર લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી.
આ પૂર્વે બ્રિટીશ વડાપ્રધાન બોરિસ જોન્સનનું અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉષ્માસભર સ્વાગત થયું હતું.આ ઐતિહાસિક અવસરે પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર કિરીટ પરમાર,મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે.કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હતા.
બ્રિટીશ વડાપ્રધાનના સ્વાગત માટે એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના રસ્તા પર સ્વાગત માટેનાં સ્ટેજ તૈયાર કરાયાં હતાં. ઉપરાંત સમગ્ર માર્ગ પર વેલકમ ગુજરાતના હોર્ડિંગ્સ જોવા મળતાં હતા. ગુજસેલ બહારથી ગાંધી આશ્રમ સુધી લોકો સ્વાગત માટે એક હાથમાં ભારત અને બીજા હાથમાં યુકેનો ધ્વજ લઈને પહોંચ્યા હતા.