સીઆઈડી ક્રાઈમ હાલ કેટલાક દિવસોથી એક મહાસટ્ટાકાંડની તપાસમાં વ્યસ્ત છે. આ એક એવો ચોંકાવનારો કાંડ છે જેનો એકડો પણ કોઈને શક ન જાય એ રીતે ઘુંટવામાં આવ્યો હતો. હજારો કરોડની છેતરપિંડીમાં આરોપી સુધી પહોંચવું એ મોટો પડકાર હતો. હકીકતમાં ચીનનો એક નાગરિક ભારત આવ્યો અને તેણે ગુજરાતમાં તેના કેટલાક સાથીઓ સાથે મળીને ફૂટબોલ સટ્ટાબાજીની એપ બનાવી. ફૂટબોલ એ ગુજરાતમાં પણ એવો રસનો વિષય નથી જેના પર લોકો સટ્ટો રમવાનું પસંદ કરે અને ફૂટબોલની પસંદગી જ કૌભાંડીકારોએ કરી કે કોઈ જલ્દી વિશ્વાસ ન કરે. ગુજરાત જ નહીં ઉત્તર ભારતના પણ જોતજોતામાં 1200થી વધુ લોકો એ એપની જાળમાં ફસાઈ પણ ગયા અને જ્યારે થયું ઊઠમણું તો એ 1400 કરોડને પણ આંબી જતું કૌભાંડ બનીને બહાર આવ્યું.
એક એવી એપની જાળ જેમાં ગુજરાતના 1200 લોકો ફસાઈ ગયા. માત્ર 9 જ દિવસમાં તેમની પાસેથી 1400 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. પોલીસ સમક્ષ જ્યારે આ મહાકૌભાંડ પહોંચ્યું તો માસ્ટર માઈન્ડનો પર્દાફાશ કરવા એસઆઈટીની રચના કરવામાં આવી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે લોકોના 1400 કરોડ રાતોરાત ગજવે કરી જનાર મહાઠગ ચીનના શેનઝેનનો રહેવાસી છે. વુ યુઆનબે નામના આ ઠગે રેકી કર્યા બાદ પાટણ અને બનાસકાંઠાના લોકોને પોતાની જાલસાઝીથી શિકાર બનાવ્યા.
સીઆઈડી (ક્રાઈમ)ના અધિકારીઓએ ગુજરાત બ્રેકિંગ સાથે વાત કરતાં જણાવ્યું કે સમગ્ર છેતરપિંડીની જાણ જૂન 2022માં થઈ હતી. એ વખતે અમને જાણવા મળ્યું કે કેટલાક ઠગ “દાની ડેટા” એપ દ્વારા ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં લોકોને નિશાન બનાવી રહ્યા છે. બનાવ અંગે ગુજરાત ઉપરાંત ઉત્તર પ્રદેશની આગરા પોલીસે પણ તપાસ શરૂ કરી. CIDએ જણાવ્યું હતું કે, “તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું કે ચાઇનીઝ નાગરિક 2020 થી 2022 ની વચ્ચે ભારતમાં હતો. તેણે પાટણ અને બનાસકાંઠામાં સમય વિતાવ્યો. તે ઘણા સ્થાનિક લોકોને મળ્યો અને તેમને પૈસા આપવાનું વચન આપ્યું. પછી તેણે અને ગુજરાતમાં તેના ભાગીદારો સાથે મળીને મે 2022 માં એપ્લિકેશનની શરૂઆત કરી.
અધિકારીએ જણાવ્યું હતું કે યુઆનબેએ 15 થી 75 વર્ષની વયના લોકોને નિશાન બનાવવામાં આવ્યા. તે ફૂટબોલ રમત દ્વારા દરરોજ 200 કરોડ રૂપિયાની ઉસેટવામાં સફળ રહ્યો હતો. અધિકારીએ કહ્યું: “એપ અચાનક નિષ્ક્રિય થઈ ગઈ. તે માત્ર નવ દિવસ માટે કાર્યરત હતી. તે પછી લોકોને ખબર પડી કે તેમના રોકાણ કરેલા પૈસા પાછા ખેંચી લેવામાં આવ્યા છે.”
CIDના સાયબર સેલે આ કેસમાં તપાસની કડીઓ જોડતાં જોડતાં કૌભાંડ સંદર્ભે નવ લોકોની ધરપકડ કરી હતી. ચાઈનીઝ ઠગે શેલ કંપનીઓની સ્થાપના કરીને અને તેમને નાણાં ટ્રાન્સફર કરીને હવાલા નેટવર્ક દ્વારા ભંડોળ એકત્ર કરવામાં કથિત રીતે ઉયાનબેને મદદ કરી હતી. ઓગસ્ટ 2022 માં એફઆઈઆર નોંધ્યા પછી, જ્યારે ગુજરાત પોલીસે કાર્યવાહી કરી, ત્યારે જાણવા મળ્યું કે માસ્ટર માઇન્ડ ભારતથી ચીન પાછો જતો રહ્યો છે. જેના કારણે CID ઉયાનબે વિરુદ્ધ પૂરતા પુરાવા એકત્ર કરી શકી નથી.
ગુજરાત પોલીસને છેતરપિંડીનો ભોગ બનેલા લોકો તરફથી 1,088 ફરિયાદો અને હેલ્પલાઇન 1930 પર 3,600થી વધુ ફરિયાદો મળી હતી. ગુજરાત સીઆઈડીના જણાવ્યા અનુસાર અહીંથી લૂંટવામાં આવેલા નાણાં દુબઈ અને યુરોપિયન દેશોમાં મોકલવામાં આવ્યા હતા. આ એક મોટું હવાલા કૌભાંડ હોઈ શકે છે. આ પૈસાનો ઉપયોગ આતંકવાદી ફંડિંગ માટે થઈ શકે છે. ડિસેમ્બર 2022માં જ CIDએ NIA, ED અને GST વિભાગને પણ તપાસમાં જોડાવા માટે જાણ કરી હતી.
CID ‘ક્રાઈમ’ના ઈન્સ્પેક્ટર પ્રશાંત ખોખરાના જણાવ્યા અનુસાર, અમને એક માત્ર ખાતું ‘પેન્થર ટ્રેડિંગ કંપની’ નામની કંપનીનું મળ્યું છે. આ કંપની 500 કરોડથી વધુના ડેબિટ અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કરે છે. એવા ઘણા એકાઉન્ટ છે જેની અમે તપાસ કરી રહ્યા છીએ.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે માસ્ટરમાઇન્ડ ચીનના શેનઝેન અને હોંગકોંગ અને સિંગાપોર જેવા પડોશી વિસ્તારોમાં તેનું નેટવર્ક ચલાવે છે. છેતરપિંડી માટે ઘણી એપ્લિકેશનો તૈયાર કરી રહ્યા છે આ લોકો અને થોડા થોડા અંતરે લોભામણા નામ અને દામ બતાવી લોકોને ઠગી રહ્યા છે.