ગુજરાત પોલીસે શરૂ કરેલી ઈ-એફઆઈઆરની સુવિધા બાબતે હજી લોકોમાં જોઈએ તેવી જાગૃતિ નથી દેખાઈ રહી. મોબાઈલ અને વાહન ચોરીના કેસો માટે ગુજરાત પોલીસે ઈ-એફઆઈઆર સુવિધા શરૂ કરી છે. આ સુવિધા શરૂ થયાના લગભગ 250 જેટલા દિવસો થયા છે. સરેરાશ જોઈએ તો, રાજ્યમાં રોજની 16 જેટલી ઈ-એફઆઈઆર નોંધાઈ રહી છે. હકીકતમાં મોબાઈલ અને વાહનચોરીની ઘટનાઓ ખાસ કરીને મોટા શહેરો અને ટાઉનમાં પ્રતિદિન વધી રહી છે.
પોલીસ સુત્રોના કહેવા પ્રમાણે, અત્યાર સુધીમાં રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં 4068 ઈ-એફઆઈઆર નોંધાઈ છે. એફઆઈઆર નોંધાવાના મામલે સૌથી જાગૃત શહેરોમાં અમદાવાદ પ્રથમ નંબર પર છે ત્યારબાદ સુરતનો નંબર આવે છે. રાજયમાં મોબાઈલ અને વાહન ચોરીના કેસો વધી રહ્યા છે. પોલીસ સ્ટેશનમાં આ કેસોની ફરિયાદ નોંધવા ઠાગાઠૈયા થતાં રહે છે. રાજ્ય સરકારે લોકોને આ સંજોગોમાંથી છુટકારો આપવા ઈ- એફઆઈઆરનીᅠસુવિધા શરૂ કરી છે.
ઈ-એફઆઈઆરની આંકડાકીય વિગતો પર નજર કરીએ તો પોલીસના કહેવા પ્રમાણે, ઈ-એફઆરઆઈ શરૂ થવાનાં લગભગ 250 દિવસોમાં સમગ્ર રાજયમાં 4068 ઈ- એફઆઈઆર નોંધાઈ છે. આ પૈકી 2303 એફઆઈઆર મોબાઈલ ફોન ચોરીની છે તો 1766 એફઆઈઆર વાહન ચોરીની છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ઈ-એફઆઈઆર અમદાવાદમાં 916 નોંધાઈ છે.જ્યારબાદ સુરતનો નંબર આવે છે. અત્યારસુધી સુરતમાં 563 ઈ-એફઆઈઆર નોંધાઈ છે સુરત બાદ રાજકોટમાં 364 અને વડોદરામાં 261 ઈ એફઆઈઆર નોંધાઈ છે. સરેરાશ જોઈએ તો, રાજ્યમાં પ્રતિદિન 16 ઈ-એફઆઈઆર નોંધાઈ રહી છે.