ટ્રાફિક સિગ્નલ તોડવા, મોબાઈલ પર વાત કરતાં-કરતાં વાહન ચલાવવા જેવા નિયમોને તાક પર મૂકવું એ ગુજરાતીઓને જાણે કોઠે પડી ગયું છે. એક આરટીઆઈ રિપોર્ટમાં આ વાહનચાલકોની બેદરકારીઓ સામે આવી છે. સપ્ટેમ્બર-2021થી ઓગસ્ટ 2022 સુધીના સમયગાળામાં જ રાજ્યમાં કુલ રૂપિયા 92,21,94,224 ના મેમાં ઇશ્યૂ થયા હતા.
ગુજરાત રાજ્યના 33 જિલ્લાના 36 RTO અને ARTO દ્વારા રૂપિયા 92.21 કરોડનો ઇ-ચલણ મેમાં રાજ્યની જનતાને પહોંચતા કરવામાં આવ્યા હતા. RTI- માહિતી અધિનિયમ 2005 હેઠળ રાજ્યની વાહન વ્યવહાર કચેરી દ્વારા મેળવવામાં આવેલી વિગતો ઘણી રીતે ચોંકાવનારી છે. રાજ્યમાં સપ્ટેમ્બર-2021થી ઓગસ્ટ 2022ના સમયગાળામાં રાજ્યમાં કુલ રૂપિયા 92,21,94,224 ના મેમાં ઇશ્યૂ કરવામાં આવ્યા છે.
ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ દ્વારા ઇશ્યૂ આ દંડ સીસીટીવી કેમેરાની બાજ નજરોમાં ઝડપાતા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને ધ્યાનમાં રાખી ઇશ્યૂ થાય છે. પોસ્ટથી વાહન ચાલકના વાહનના નોંધાયેલા નામ સરનામે મોકલવામાં આવે છે. દંડની આ રકમ જે તે ઇસ્યુ કરનાર RTO અને ARTO કચેરીએ ભરવાના હોય છે.
વાહન વ્યવહાર કમિશનર કચેરી આપવામાં આવેલ માહિતી અનુસાર, સપ્ટેમ્બર-2021થી ઓગસ્ટ 2022ના દરમિયાન સૌથી વધુ દંડ રૂ. 11,62,62,219 અમદાવાદ શહેર જિલ્લામાં ફટકારવામાં આવ્યો છે. બીજા નંબરે સુરત શહેરમાં રૂ. 6,57,34,279 અને બનાસકાંઠા જિલ્લામાં રૂ. 5,27,74,833 કરોડનો દંડ કરવામાં આવ્યો છે. સૌથી ઓછો ઇ મેમો રાજ્યના આહવા-ડાંગ ARTO કચેરી ધ્વારા ઇશ્યૂ કરાયો છે. આ રકમ રૂ. 21,34,096 છે.
રાજ્યમાં માર્ચ 2022માં સૌથી વધુ ઇ મેમો ઇશ્યૂ કરવામાં આવ્યા હતા જે રૂ. 11,19,77495 ના હતા અને નવેમ્બર 2021માં સૌથી ઓછા ઇ મેમો ઇશ્યૂ કરવામાં આવ્યા હતા જે રૂ. 5,76,24,818 રૂપિયાના હતા.