ગુજરાતના સુરત અને અમદાવાદ સહિત દેશના સાત શહેરો વર્ષના અંત સુધીમાં ‘સ્માર્ટ સિટી’ જાહેર થઇ જશે. કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી એવા અર્બન રિન્યુઅલ મિશન અંતર્ગત 100માંથી 7 શહેરો સાતમાં વર્ષે જ સ્માર્ટ સિટીનું બિરુદ મેળવી લેશે અને તમામ 100 ટકા પ્રોજેક્ટ પૂર્ણ થઇ જશે. સ્માર્ટ સિટી જાહેર થઇ ગયા બાદ તમામે તમામ સેવાઓ તત્કાલ મળવા લાગશે.સુરતીઓ માટે આ સિદ્ધિ ગૌરવની વાત છે.
કેન્દ્ર સરકારના સુત્રોએ જણાવ્યા અનુસાર, સુરત, ભુવનેશ્વર, ઉદેપુર, અમદાવાદ, વારાણસી તથા ઇન્દોર અને ભોપાલ એમ સાત શહેરોમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગતની કામગીરી 70 થી 90 ટકા સુધી પૂર્ણ થઇ ગઇ છે. ચાલુ વર્ષના અંત સુધીમાં તમામે તમામ પ્રોજેક્ટ પૂર્ણ થઇ જવા સાથે સ્માર્ટ સિટી જાહેર કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે 2015માં સ્માર્ટ સિટી મિશન જાહેર કર્યું હતું. મિશન હેઠળ 100 શહેરોને સ્માર્ટ સિટી બનાવવાનું બિડુ ઉપાડ્યું હતું. ઇકો-ફ્રેન્ડલી અને હાઈટેક સુવિધા સાથેના આ શહેરોને જૂન, 2023 સુધીમાં સ્માર્ટ બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. આ 100 શહેરોમાંથી 7 શહેરોમાં નિયત પ્રોજેક્ટોની કામગીરી પૂર્ણતાના આરે છે. ભોપાલમાં 92 ટકા પ્રોજેક્ટો પૂર્ણ થઇ ગયા છે, સુરતમાં 82.44 ટકા, ઉદયપુરમાં 78 ટકા, ભુવનેશ્વરમાં 76 ટકા તથા ઇન્દોર-વારાણસી-અમદાવાદમાં 70 ટકા પ્રોજેક્ટનું કામ પૂર્ણ થઇ ગયું છે. બાકીના પ્રોજેક્ટો પણ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઇ જાય તેવું અનુમાન છે.
સુરતની વાત કરીએ તો પાલિકાના વર્ષ 2022-23ના રૂપિયા 7287 કરોડના બજેટ સામાન્ય સભામાં સર્વાનુમત્તે મંજુર કરાયું હતું . સ્માર્ટ સિટી પર ભાર મુકતા સુરતના શાસકો અને વહિવટી તંત્રના પ્રયાસો પણ એકદમ ગંભીર છે. ડેટા મેચ્યુરિટી અસેટમેન્ટ ફ્રેમવર્કમાં પણ સુરત પ્રથમ ક્રમે છે. સુરત મનપા જે વિવિધ સેવાઓ પુરી પાડે છે તે વિવિધ સેવાઓ અને સુવિધાઓનું મોનીટરીંગ એક જ સ્થળેથી થઇ શકે અને સેવાની ગુણવત્તામાં વધારો થાય તે હેતુસર કામગીરી થઇ રહી છે. સ્માર્ટસિટી અતર્ગત એરિયા ડેવલપમેન્ટ, ઇકોનોમિક ડેવલપમેન્ટ , રિન્યુએબલ એનર્જી, એન્વાયરમેન્ટ ડેવલપમેન્ટ, હેરીટેજ રિસ્ટોરેશન અને એફોર્ડેબલ હાઉસીંગ સહીતની કામગીરીમાં ભારતના અન્ય શહેરો કરતાં સુરત ઘણું એડવાન્સ છે.
મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનના 7માંથી 5 શહેરોમાં સૌથી વધુ કામ થયું હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. આ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ છે. ચૂંટણી પૂર્વે જ આ પાંચેય શહેરો સ્માર્ટ સિટીનું બિરુદ મેળવી લેશે.
સુત્રોનું કહેવું છે કે, સ્માર્ટ સિટી મિશનની મુદત જૂન 2023માં પૂરી થઈ રહી છે. મુદ્દત પૂરી થાય એ પહેલા તમામ શહેરોને સ્માર્ટ સિટીનું બિરુદ આપવા સરકાર જ પ્રોજેક્ટ કામગીરીમાં ઝડપ લાવવા માથે ઊભી રહેશે એ સ્વાભાવિક છે.