સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે બનાવવામાં આવેલા આવાસો માટે ફોર્મનું શુક્રવાર તા. 1 ડિસેમ્બરથી વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ફોર્મ વિતરણના બીજા દિવસે શહેરવાસીઓમાં ભારે દોડધામ જોવા મળી રહી છે. કોટક મહિન્દ્રા બેંકની વેસુ સહિત શહેરની તમામ 26 બેંકમાં આવાસ માટેના ફોર્મ લેવા માટે સવારથી જ લાભાર્થીઓની લાંબીલચાક લાઈનો જોવા મળી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલ આવાસના ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સુરત મહાનગરપાલિકા દ્વારા ભીમરાડમાં સુમન સ્મિત, ડિંડોલીમાં સુમન નુપુર અને વેસુ કેનાલ રોડ પર સુમન શિલ્પ અને જહાંગીરપુરામાં સુમન મૈત્રીના નામે મકાનો બનાવવામાં આવ્યા છે. જેમાં અનુક્રમે 928, 63, 540 અને 808 મળીને કુલ 2339થી વધુ ફ્લેટ બનાવવામાં આવ્યા છે.
36 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા આ ફ્લેટની કિંમત 5.50 લાખ રૂપિયા અને છેલ્લા હપ્તા સાથે 50 હજાર રૂપિયા મેઈન્ટેનન્સ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ.3 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા લાભાર્થીઓ માટે ફોર્મનું વિતરણ શરૂ કર્યું છે. જેના કારણે શહેરમાં કોટક મહિન્દ્રા બેંકની શાખાઓમાં સવારથી જ ફોર્મ લેવા માટે નાગરિકોની લાંબી કતારો જોવા મળી હતી. પ્રધાનમંત્રી આવાસ ફોર્મ સાથે 15 જેટલા પૂરાવાઓ પણ રજૂ કરવાની હોય છે.
જોકે, આ વખતે આવાસ યોજનામાં પાલિકાના અધિકારીઓને એક વાતે પરસેવો પડી રહ્યો છે અને એ ખાસ કરીને શહેરના સુરતના કોટ વિસ્તારમાં વસતાં લાભાર્થીઓને પડતી તકલીફો બાબતે છે. ગઈકાલથી પાલિકા કમિશનર સહિત અધિકારીઓને એ સવાલ લોકો તરફથી થઈ રહ્યા છે કે, ભાડેથી રહેતા લોકોને ભાડાકરાર અંગે અશાંતધારાને લીધે તકલીફો પડી રહી છે જેનો કોઈ રસ્તો સુચવવામાં આવે. જોકે અધિકારીઓ તરફથી કોઈ ચોક્કસ ખાત્રીપૂર્વકનો પ્રત્યુત્તર મળી રહ્યો ન હોવાથી લોકો અટવાઈ રહ્યા છે.