શહેરની ૧૯ પ્રતિસ્થિત સંસ્થાઓ દ્વારા તા. ૧૪મી ઓગસ્ટની મધરાતે ૧૨.૦૧ મીનીટે ધ્વજવંદન કરવાનું એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત પોલીસ કમીશ્નર અજય કુમાર તોમરે ધ્વજવંદન કરી ઈતિહાસ રચ્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં ભારત વિકાસ પરિષદ સુરત મેઈનના પ્રમુખ રૂપીન પચ્ચીગરે જણાવ્યું હતું કે ૧૯૪૭ ની ૧૪મી ઓગસ્ટે રાત્રે ૧૨ વાગે સાયરન વાગી હતી અને ૧૨.૦૧ મીનીટે ભારતનો ત્રિરંગો ગગનમાં લહેરાયો હતો. આજે આપણે એ જ પળોને પુર્નજીવીત કરવા જઈ રહ્યા છીએ. સુરતના ઈતિહાસમાં પહેલીવાર રાત્રે ૧૨.૦૧ મીનીટે ધ્વજવંદન થવાનું છે અને એ પળોના આપણે સાક્ષી બન્યા તે આપણા સૌ માટે આનંદ અને ગૌરવની વાત છે. ૨૧મી સદી ભારતની સદી છે અને ભારત હવે પછીના વર્ષોમાં વિશ્વ ગુરૂ બની રહે એવી શુભકામના સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. કાપડિયા હેલ્થ કલબના ચેરમેન પંકજ કાપડિયાએ આવકાર પ્રવચન કરતા કહ્યું કે આઝાદીનો મહિમા એને જ સમજાય જેણે આઝાદી જોઈ નહોતી, પરતંત્ર અને ગુલામીમાંથી બહાર નીકળી દેશ આઝાદ થયો તે અત્યંત આનંદની ધટના હતી.
ત્યારબાદ પોલીસ કમીશ્નર અજય કુમાર તોમરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત માટે કોમનવેલ્થ ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ પ્રપ્ત કરનાર હરમીત દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. કમીશ્ન્રરશ્રી અજય કુમાર તોમરે એમના ઉદ્દબોધનમાં ભારતની આઝાદીના ઈતિહાસ ની વાત કરી હતી. આપણા પછી સીંગાપોર આઝાદ થયુ પણ એણે કરેલ પ્રગતિ માંથી પ્રેરણા લઈ આપણે પણ દેશ માટે કામ કરીએ. જે વ્યક્તિ જે વ્યવસાય કે વેપાર, કળા કે સાધના સાથે સંકળાયેલ છે તેમાં પોતાનું યોગ્ય પ્રદાન કરે તો ભારત જરૂર પ્રગતિ કરશે એવો વિશ્વાસ એમણે રજૂ કર્યો હતો.
રૂપીન પચ્ચીગર દ્વારા નાગરીકોને ભારતના વિકાસ માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. કાર્યક્રમમાં સુરતની તાલબધ્ધ ગીસ રજુ થઈ હતી. આઝાદીને યાદ કરતાં ગીતો રજૂ થયા. અર્ચનાબેન દીક્ષીત દ્વારા સંપૂર્ણ વંદેમાતરમ ની પ્રસ્તૃતિ થઈ. સંસ્કૃત પાઠશાળાના ઋષીકુમારોએ સંસ્કૃત શ્લોકનું ગાન કર્યુ હતું. વિંન્ટેજ વેટરન્સના પ્રમુખ રોહિત મારફતીયાએ અભારવિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં કાપડિયા હેલ્થ કલબ, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, વિન્ટેજ વેટરન્સ, ભારત વિકાસ પરિષદ સુરત મેઈન, રાષ્ટ્રીય કલા કેન્દ્ર, સૂર્યપુર સંસ્કૃત પાઠશાળા, ધી સુરત પીપલ્સ કો.ઓ. બેંક લી., સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોશીયેશન, જીમનાસ્ટ્રીક ફેડરેશન ઓફ ઈન્ડિયા, સુરત ડીસ્ટ્રીક બેડમીન્ટન એસોશીયેશન, જેસીઆઈ સુરત, જેસીઆઈ સુરત મેટ્રો, સુરત મેટ્રો શક્તિ, જેસીઆઈ સુરત સિટીઝન, તાલ ગ્રુપ, સીનિયર સિટીઝન ફેડરેશન, ભારત ભારતી, MY FM, પ્રાઈમ બેંક લી. એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.