સ્વામિનારાયણ ગુરૂકુળ, રાજકોટની શાખા સુરત ગુરૂકુળ ખાતે નવનિર્મિત ત્રિવિધ દિવ્ય સંકુલનો તા. 7મીના સવારે 10 વાગે વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના સાંનિધ્યમાં ભવ્યાતિભવ્ય ઉદઘાટન સમારોહ યોજાશે. આ પ્રસંગે મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા મહંત શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી સહિત 200થી વધુ સંતોની સવિશેષ ઉપસ્થિત રહે એ પ્રકારનું આયોજન થયું છે.
આ પ્રસંગે ભવ્ય દિવ્ય ગુરૂકુળ સંસ્કૃતિ ધામ, કલાત્મક ભકિતનંદન હવેલી, શ્રી હરિપ્રસાદી સંગ્રહાલય ભવન વગેરેના ઉદઘાટન થશે. ગુરૂકુળના હવાલેથી જણાવ્યા અનુસાર, સુરત ગુરૂકુળ ખાતે નવનિર્મિત ગુરૂકુળ સંસ્કૃતિધામમાં શ્રી નીલકંઠ ધામની સમકક્ષ હરહંમેશ નિત્ય ઠાકોરજીના મહાઅભિષેક, મહાનિરાજન, મહાભોગ, નગરયાત્રા તથા હજારો દર્શનાર્થીઓ દ્વારા ભગવત પૂજન-અભિષેક થશે.
શ્રી પ્રભુસ્વામી તથા ધર્મવલ્લભસ્વામીએ જણાવ્યા અનુસાર, આ ઉપરાંત અહીં કાયમી ધોરણે વિવિધ 100 ઉપરાંત ખંડોમાં કંડરાયેલ ભવ્ય પ્રદર્શન, સાયન્સ સીટી, નેચરલ પાર્ક, એન્જોય પાર્ક, ભગવત પ્રસાદમનો લાભ મળશે.
તા.7ના રાત્રે 8.30 કલાકે 200 ઉપરાંત સંતોનું સમુહ પૂજન, અમૃત મહોત્સવ સંકલ્પ અભિવાદન તથા આર્શીવચન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.