સુરતના સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે તા.૨૯ એપ્રિલથી ૧ મે દરમિયાન સરદારધામ દ્વારા આયોજિત ત્રિદિવસીય SRK ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનની કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શહેરી ગૃહનિર્માણ અને શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયાએ મુલાકાત લીધી હતી. મંત્રીગણ પ્લેટીનમ હોલમાં આયોજિત વિવિધ વિષયો પરના સેશનમાં જોડાયાં હતાં. આજે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામની ૨૨ વર્ષીય દીકરી પૂજા પટેલે સરદારધામને રૂ.૫૧ લાખનું દાન આપી સ્થાપક ટ્રસ્ટી બન્યાં હતાં, જેઓનું મંત્રીશ્રી દર્શનાબેનના હસ્તે સન્માન કરાયું હતું.
કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત્ત મહોત્સવના અવસરે સ્કીલ ડેવલપમેન્ટ અને સ્ત્રી સશક્તિકરણને વેગવાન બનાવવાનો સરકારનો સંકલ્પ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈના ‘મેક ઈન ઈન્ડિયા’, ‘સ્કીલ ઈન્ડિયા’, સ્ટાર્ટ અપ ઈન્ડિયા’ના વિઝનને સાકાર કરવામાં આ સમિટ પણ ભાગીદાર બની છે.
ફાર્મ ટુ ફાયબર, ફાયબર ટુ ફેબ્રિક, ફેબ્રિક ટુ ફેશન, ફેશન ટુ ફોરેન એમ ફાઈવ ‘F’ ની પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ફોર્મ્યુલા ટેક્ષટાઈલ સેક્ટરના આમૂલ પરિવર્તન કરવામાં મદદરૂપ બની હોવાનું જણાવી તેમણે આ બિઝનેસ સમિટ અગાઉની સમિટ કરતા પણ વધુ સફળ બની હોવાથી આયોજકો અને સરદારધામની યુવા ટીમને અભિનંદન આપ્યા હતા.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સરદારધામની યુવાટીમની જહેમતથી સફળ બનેલી આ સમિટ અનેક લોકોને નવી રાહ ચીંધશે. મહત્તમ પાટીદાર ઉદ્યોગપતિઓ ગામડાની પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલા છે, ત્યારે તેમના સમાજ કાર્યો ગ્રામ્ય વિસ્તારોના નવલોહીયા યુવાનોને પણ પ્રેરણા આપશે.
તેમણે ગુજરાતને પ્રગતિશીલ બનાવવા પ્રજાના રચનાત્મક સૂચનો આવકાર્ય છે એમ જણાવતાં ઉમેર્યું કે, ગુજરાતી પ્રજા શાંતિપ્રિય અને સભ્ય પ્રજા છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાનું રાજ જળવાઈ રહે એ માટે ગૃહ વિભાગ સતત સક્રિય છે. રાજ્યમાં ડ્રગ્સના દૂષણને નાથવામાં પોલીસ વિભાગની કામગીરી સરાહનીય છે. કારણ કે રાજ્ય પોલીસ ગુજરાતની બોર્ડરમાં ડ્રગ્સ ઘૂસે એ પહેલાં જ ડ્રગ્સ અને તેની સાથે સંકળાયેલા અપરાધીઓને ઝડપવા તૈયાર હોય છે એમ જણાવી રાજ્યમાં ડ્રગ્સના દૂષણને જડમૂળથી દૂર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયાએ કહ્યું કે, આ સમિટને માત્ર પાટીદાર જ નહીં, પણ સર્વ સમાજનો ઉમળકાભર્યો આવકાર અને સહકાર મળ્યો છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની બહોળી ભાગીદારી ઉડીને આંખે વળગે છે. સરદાર સાહેબના વિચારો પણ લોખંડી હતા એટલે જ સરદાર પટેલ નેતૃત્વનો પર્યાય બન્યા છે એમ જણાવતાં આત્મનિર્ભર ભારતની વિભાવનાને અપનાવી સુરત અને ગુજરાતે નેતૃત્વ કર્યું છે. સુરતના હજીરામાં બનતી સ્વદેશી વજ્ર ટેન્ક તેનું ઉત્તમ ઉદાહરણ છે એમ જણાવી એક બિઝનેસ સમિટને નિહાળવા સામાન્ય જનતાનો ઉત્સાહ કાબિલેદાદ ગણાવ્યો હતો.
દિવસ દરમિયાન પ્લેટીનમ હોલમાં વરિષ્ઠ સનદી અધિકારી અને મોટીવેશન સ્પીકર શૈલેશભાઈ સગપરીયા, ભંડેરી લેબગ્રોન ડાયમંડના ચેરમેન ઘનશ્યામભાઈ ભંડેરી, ટેક્સ કન્સલ્ટન્ટ અને એડવોકેટ મુકેશ પટેલ, નેહલબેન ગઢવી સહિતના વક્તાઓએ વિવિધ વિષયો પર દિશાસૂચન અને માર્ગદર્શન આપ્યું હતું.
સરદારધામના પ્રમુખસેવક ગગજીભાઈ સુતરીયાએ સૌ મંત્રીશ્રીઓને સ્મૃતિચિહ્ન અને શાલ અર્પણ કરી આવકાર્યા હતા. સરદારધામના વિપુલ સાસપરાના જણાવ્યા અનુસાર આ સમિટને સુરતવાસીઓએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપતાં પ્રથમ દિને એક લાખ અને બીજા દિવસે અઢી લાખ મળી બે દિવસમાં ૩.૫૦ લાખથી વધુ મુલાકાતીઓ ઉમટ્યા હતાં.આ પ્રસંગે ધારાસભ્ય વિવેક પટેલ, બિઝનેસમેનો, તજજ્ઞ વક્તાઓ, ટેકનોક્રેટ તેમજ યુવા સાહસિકો સ્થિત રહ્યાં હતા.