સુરતનો ડાયમંડ ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. દેશને મળતા વિદેશી હુંડિયામણમાં સુરતમાં ડાયમંડ ઉદ્યોગનો ફાળો છે. સુરતના ઉદ્યોગને સમયની સાથે આગળ વધારવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ડાયમંડ બુર્સને શરૂ કરવાનો થનગનાટ જોવા મળી રહ્યો છે. આજે ડાયમંડ બુર્સની કમિટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં પહોંચી છે. કમિટીના 8 સભ્યો દિલ્હી જવા રવાના થયા હતા.
સુરત ડાયમંડ બુર્સની ટીમ આજે સવારે સુરત એરપોર્ટથી દિલ્હી જવા રવાના થઈ હતી. વિશ્વના ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને એક જ સ્થાને ટ્રેડિંગ કરવાની વ્યવસ્થા ઊભી થઈ છે. ડાયમંડ બુર્સ આજે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીના એક ડાયમંડ બુર્સને હવે શરૂ થવાના ગણતરીના દિવસો જ બાકી છે.
દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે તારીખ આપશે તે તારીખે વિશ્વનું સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગનું લોકાર્પણ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દબદબાભેર ડાયમંડ બુર્સનું ઓપનિંગ કરવાની યોજના ડાયમંડ બુર્સના કમિટીના સભ્યોએ કરી છે. જે પ્રકારે સમગ્ર વિશ્વમાં ચળકી ઊઠે એ રીતે ડાયમંડ બુર્સ તૈયાર કરવામાં આવ્યું છે તેનો પ્રસંગ પણ એવો ભવ્ય યાદગાર બની રહે તેવી ઓપનિંગ સેરેમની થશે.
ડાયમંડ બુર્સના નિર્માણથી સુરત શહેરનો હીરા ઉદ્યોગ સમગ્ર વિશ્વની અંદર પોતાની આગવી ઓળખ ઊભી કરશે. અત્યાર સુધી સુરત શહેરમાં માત્ર રફ ડાયમંડને પોલિશ્ડ કરવાનું કામ કરતો હતો, પરંતુ હવે ટ્રેડિંગ હબ પણ બનવા જઈ રહ્યું છે. ડાયમંડ બુર્સ રૂ. 2500 કરોડના ખર્ચે તૈયાર થયું છે. 1.48 લાખ ચોરસમીટરમાં ફેલાયેલો બુર્સ વર્ષે 2 લાખ કરોડ કરતાં વધુનો ડાયમંડનો વેપાર થશે.
ડાયમંડ બુર્સનું ક્ષેત્રફળ 68 લાખ ચોરસફૂટ છે. તમને જણાવી દઈએ કે અત્યારસુધી અમેરિકાનું ડિફેન્સ કાર્યાલય પેન્ટાગોન દુનિયાનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ છે. એન્હાન્સ્ડ ડિફેન્સ હેડક્વાર્ટર પેન્ટાગોન 67 લાખ ચોરસફૂટ જમીનમાં બનાવવામાં આવ્યું છે, જ્યારે ડાયમંડ બુર્સ 68 ચોરસફૂટ જમીનમાં બનાવવામાં આવી રહ્યું છે.
હીરાના વ્યવસાય માટે ડાયમંડ બુર્સ બનાવવામાં આવી રહી છે, જેમાં ઉદ્યોગપતિઓના હીરા અને દાગીનાની સુરક્ષા માટે કુલ 4000 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. દરેક ટાવરમાં ફાયર સેફ્ટી માટે સેન્સર છે. ડાયમંડ બુર્સમાં કુલ 4200 ઓફિસ છે. આ ઉપરાંત 4500 ફોર-વ્હીલર અને 10 હજાર ટૂ-વ્હીલર માટે વિશાળ પાર્કિંગ છે. ડાયમંડ બુર્સ શરૂ થયા બાદ હીરાના વેપારીઓને બિઝનેસ કરવામાં સરળતા રહેશે 1.60 મીટર પહોળાઈના ગેટને આવરી લેતો વિસ્તાર 67.10 મીટર બાય 31.45 મીટર, 15 મીટર ઊંચાઈનો રહેશે. બુર્સ તથા ડ્રીમસિટીનો મુખ્ય એન્ટ્રન્સ માટે આધુનિક સિક્યોરિટીને આવરી લેતી ડિઝાઈન બનાવાઈ છે. તમામ પસાર થતાં વાહનો તથા મુલાકાતીઓ માટે ડિજિટલ ચેકિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વ્યાપારી ધોરણે તથા પર્યટકોનો આકર્ષિત સ્કાયડેકમાં જવા માટે એન્ટ્રન્સ ફોયર તથા પ્રવેશદ્વાર છે. ગેટની બંને તરફ મુલાકાતીઓ માટે લિફટ, વોશરૂમની સુવિધા છે અને સ્કાયડેક વિઝન વ્યૂવિંગ ગેલરી આવી છે.
ડાયમંડ બુર્સમાં રોજના લાખો લોકોની અવરજવર રહે છે, જેના માટે ટ્રાન્સપોર્ટેશન ને પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સિટી બસ અને બીઆરટીએસ બસની સુવિધા સમયસર મળી રહે એવું આયોજન હાથ ધરાયું છે તેમજ મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત સરસાણાથી ડાયમંડ બુર્સ ખજોદ સુધી દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ડાયમંડ બુર્સમાં જે ડાયમંડ ફેક્ટરીઓના માલિકો તેમજ નાના-મોટા ડાયમંડના વેપારીઓએ ઓફિસ ખરીદી છે તેનું ઇન્ટીરિયર આંતરરાષ્ટ્રીય સ્તરનું બનાવવામાં આવી રહ્યું છે. વિશ્વના 175 કરતાં વધુ દેશોના બાયર્સ અહીં આવશે ત્યારે તેમને આકર્ષવા માટે ડાયમંડ બુર્સની તમામ ઓફિસો આંતરરાષ્ટ્રીય સ્તરની તૈયાર કરવામાં આવી રહી છે.
આ તમામ ચળકતી બાબતોની વચ્ચે નોંધપાત્ર વિડંબના એ છે કે, લગભગ 100,000 કરોડના નેટવર્થ ઉદ્યોગપતિઓ 1000 લાખ કરોડના ટર્નઓવર ડાયમંડ બિઝનેસની નિકાસમાં રોકાયેલા હોવા છતાં, તેઓ વિસ્તારા જેવી સંપૂર્ણ સેવા અથવા પ્રીમિયમ એરલાઇન્સની ગેરહાજરીને કારણે ભારતની સૌથી ઓછી કિંમતની કેરિયર સાથે ઉડાન ભરવા માટે મજબૂર છે. તદુપરાંત, મુંબઈ, અમદાવાદ અને સુરત વચ્ચે કોઈ ફ્લાઈટ વિનાની મર્યાદિત સ્થાનિક કનેક્ટિવિટી, લગભગ અસ્તિત્વમાં ન હોય તેવા આંતરરાષ્ટ્રીય જોડાણો અને દ્વિપક્ષીય કરારો, સુરત ડાયમંડ બુર્સ (SDB) ની સફળતાને અવરોધે છે.
સુરત એરપોર્ટ માટે નાગરિકોનું સંયુક્ત એક ગ્રુપ લડત ચલાવી રહ્યું છે જેના સિનિયર અને પાયાના સભ્ય લિનેશ શાહે જણાવ્યું હતું કે, સુરત તરફ સ્થળાંતર કરવા તરફ હીરા ઉદ્યોગનો વધતો ઝોક એ હકીકતને આભારી છે કે હીરાનું 90% ઉત્પાદન સુરતમાં થાય છે, જેના કારણે વારંવાર મુંબઈની મુસાફરી થાય છે અને તેમના પારિવારિક જીવનમાં અવરોધો આવે છે. ઘણા લોકો તેમના વ્યવસાયોને સુરત ડાયમંડ બુર્સમાં સ્થાનાંતરિત કરવા આતુર છે, પરંતુ સ્થળાંતર પછી પણ, તેઓને હજી પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પકડવા રેલવે અથવા બાયરોડ મુંબઈ જવું પડે છે. જે હેરાનગતિ સબબ જ સાબિત થાય છે.
હીરા ઉદ્યોગમાં સુરતનું મહત્વ અને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીની વધતી જતી માંગને જોતાં, સુરત એરપોર્ટને તાકીદે સુધારેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ અને વિદેશી એરલાઈન્સ કનેક્ટિવિટીની જરૂર છે. આંતરરાષ્ટ્રીય ઉડાન દ્વિપક્ષીય કરારોનો ઉમેરો આ સમૃદ્ધ વેપારી સમુદાયની જરૂરિયાતોને પૂરી કરવા અને સીમલેસ મુસાફરીના વિકલ્પોની ખાતરી કરવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
લિનેશ શાહે વધુમાં જણાવ્યું હતું કે, એરપોર્ટ ગ્રુપ તરફથી અમે ડાયમંડ ઉદ્યોગના તમામ મહારથીઓ અને કસબીઓને તેમની આ સફળ સફર માટે અમારી શુભેચ્છાઓ આપીએ છીએ અને અમે આશા રાખીએ છીએ કે તેઓ એરપોર્ટ અને SDB બંનેમાં વધુ વિકાસ માટે વડાપ્રધાન કાર્યાલય (PMO) ના આશીર્વાદ મેળવે. અમે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સની યાદીમાં દુબઈના સમાવેશની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ, જે નિઃશંકપણે હીરાના વેપારી સમુદાય માટે મુસાફરીની તકો વધારશે.